શાપરમાં દારૂના ડખ્ખામાં શ્રમિક યુવકની સાથી મિત્રના હાથે હત્યા
કારખાનાની છત પર બબાલ બાદ લોખંડની લોઢી, લાકડાના ધોકા અને પતરાના ચૂલાથી જીવલેણ હુમલો : ત્રણ સંતાનના પિતાની હત્યાથી શ્રમિક પરિવારમાં કલ્પાંત
અગ્ર ગુજરાત, રાજકોટ
શાપર-વેરાવળના ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિકોની વચ્ચે બનેલી હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. એક જ કારખાનામાં નોકરી કરતા અને એક જ સ્થળે સાથે રહેતા બે બિહારી શ્રમિકો વચ્ચે દારૂ પીવા બાબતે થયેલી તકરારે લોહિયાળ વળાંક લીધો હતો. કારખાનાની છત પર શરૂ થયેલી બોલાચાલી ઉગ્ર મારામારીમાં ફેરવાઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા ધીરજકુમાર તાંતી નામના શખ્સે સાથી શ્રમિક ગુડુ મહંતો પર લોખંડની લોઢી, લાકડાના ધોકા અને પતરાના ચૂલાથી ઉપરાછાપરી હુમલા કરતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં દોડી આવેલી શાપર પોલીસે આરોપીને નાસી છૂટે તે પહેલાં ઝડપી લીધો હતો. ઝપાઝપીમાં આરોપીને પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૂળ બિહારનો વતની ગુડુ બાલકદાસ મહંતો (ઉ.વ.28) શાપરમાં આવેલી સુહાની એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતો હતો અને ભાડાની ઓરડીમાં રહેતો હતો. દરમિયાન કારખાનાની છત પરથી ગુડુનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતાં શ્રમિકોમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં શાપર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડી તપાસ શરૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ ગુડુ સાથે જ કારખાનામાં કામ કરતા અને સાથે રહેતા ધીરજકુમાર ભલન તાંતી સાથે સાંજના સમયે કારખાનાની છત પર દારૂ પીવા બાબતે બોલાચાલી થઈ હતી. કોઈ બાબતે શરૂ થયેલી તકરાર ઉગ્ર બનતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન ધીરજકુમારે ત્યાં પડેલી રોટલી બનાવવાની લોખંડની લોઢી, લાકડાનો ધોકો અને પતરાના ચૂલાનો હથિયાર તરીકે ઉપયોગ કરી ગુડુ પર ઘાતકી હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે ગુડુનું મોત નીપજ્યું હતું.
આ બનાવમાં મૃતકના કુટુંબી ભાઈ બહાદુર સુભાષ મહંતો (ઉ.વ.30), રહે. શાપર, પૂજા કંપની પાસે, મૂળ હાટીટોલા, પટના (બિહાર)ની ફરિયાદ પરથી પોલીસે ધીરજકુમાર સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હુમલા અને ઝપાઝપી દરમિયાન આરોપી ધીરજને પણ ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ગુડુ પાંચ ભાઈ અને બે બહેનમાં બીજા નંબરનો હતો. તેને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તેની પત્ની પણ ચાર દિવસ પહેલાં જ લગ્નપ્રસંગમાં હાજરી આપવા બિહાર ગઈ હોવાથી પતિની હત્યાના સમાચાર મળતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતાં શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શાપર પોલીસના ઇન્ચાર્જ પીઆઈ આઈ.એમ. સરવૈયા, એએસઆઈ મુકેશભાઈ સહિતના સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


