દિવાળીમાં પ્રવાસન સ્થળો પર 3૮ લાખ સહેલાણીઓ ઉમટયા
દ્વારકામાં ગત વર્ષ કરતા ૧૨૮.૮ ટકાનો પ્રવાસીઓનો વધારો : ધાર્મિક સ્થાનો પર લોકોનો ઘસારો વધ્યો : અંબાજીમાં ૧૧.૯૫ લાખ અને સોમનાથ મંદિરમાં ૯.૧૨ લાખ લોકોએ દર્શન કર્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસન ક્ષેત્રે નવો ઇતિહાસ રચાયો છે. રાજ્યના જાણીતા ધાર્મિક યાત્રાધામો અને પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે. દ્વારકાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના 8 મુખ્ય સ્થળોએ 38 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ખાસ વાત એ છે કે, ગત વર્ષની સરખામણીએ દ્વારકામાં પ્રવાસીઓની સંખ્યામાં 128.8 ટકાનો જંગી વધારો નોંધાયો છે.
દિવાળીના વેકેશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો અને ધાર્મિક યાત્રાધામો પ્રવાસીઓથી ઉભરાઈ ગયાં હતાં. દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં પ્રવાસન ક્ષેત્રે કરવામાં આવેલા વિકાસકાર્યો, આધુનિક સુવિધાઓ અને પ્રવાસીઓ માટેની વ્યવસ્થાઓને આ સફળતાનું મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. રાજ્યના 8 મુખ્ય સ્થળો પર 6થી 14 નવેમ્બર, 2026 દરમિયાન પ્રવાસીઓની નોંધપાત્ર અવરજવર જોવા મળી હતી. વર્ષ 2025ના દિવાળીના 9 દિવસના સમયગાળા સાથે સરખામણી કરતાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે.
ગુજરાતનાં પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં દિવાળીના તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિર, ગબ્બર હિલ અને રોપ-વે સહિતના વિસ્તારોમાં 11.95 લાખથી વધુ મુલાકાતીઓ પહોંચ્યા હતા. ગત વર્ષની સરખામણીએ આ સંખ્યામાં 48.9 ટકાનો વધારો થયો છે. બીજી તરફ, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક સોમનાથ મહાદેવના દર્શન માટે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. સોમનાથ મંદિરમાં 9.12 લાખથી વધુ પ્રવાસીઓએ દર્શન અને મુલાકાત લીધી હતી. અહીં પ્રવાસીઓની સંખ્યામાં 43.9 ટકાનો વધારો નોંધાયો છે.
ગુજરાતનાં ધાર્મિક સ્થળો ઉપરાંત આધુનિક પ્રવાસન સ્થળો પર પણ પ્રવાસીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે 5.57 લાખથી વધુ લોકો પહોંચ્યા હતા. અહીં ગત વર્ષની સરખામણીએ 32.35 ટકાનો વધારો નોંધાયો છે.
ગુજરાત-રાજસ્થાન સરહદ નજીક આવેલા નડાબેટ ખાતે પણ 37 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. અહીં પ્રવાસીઓની સંખ્યામાં 54.1 ટકાનો વધારો થયો છે.
આ ઉપરાંત ગિરનાર રોપ-વે ખાતે 48,800થી વધુ અને ઐતિહાસિક નગરી વડનગરમાં 62 હજારથી વધુ મુલાકાતીઓ પહોંચ્યા હતા. કચ્છના સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લેનારાઓની સંખ્યા પણ 25 હજારને પાર પહોંચી હતી.
પ્રવાસન સ્થળ પર પ્રવાસીઓની સંખ્યા
| પ્રવાસન સ્થળ | મુલાકાતીઓની સંખ્યા | ગત વર્ષની સરખામણીએ વધારો |
| દ્વારકા મંદિર | 9.75 લાખથી વધુ | 128.8% |
| નડાબેટ | 37 હજારથી વધુ | 54.1% |
| અંબાજી મંદિર, ગબ્બર હિલ અને રોપ-વે | 11.95 લાખથી વધુ | 48.9% |
| સોમનાથ મંદિર | 9.12 લાખથી વધુ | 43.9% |
| સ્ટેચ્યુ ઓફ યુનિટી | 5.57 લાખથી વધુ | 32.35% |
| ગિરનાર રોપ-વે | 48,800થી વધુ | 25.3% |
| વડનગર | 62 હજારથી વધુ | વધારો નોંધાયો |
| સ્મૃતિવન મેમોરિયલ, ભુજ | 25 હજારથી વધુ | વધારો નોંધાયો |


