12 વર્ષથી પોલીસને થાપ આપી ફરતો હત્યાનો આરોપી બીમારીના કારણે પકડાયો
ટ્રકચાલકનું માથું ટ્રકના ટાયર નીચે કચડી હત્યાને અકસ્માતમાં ખપાવવાનું કાવતરું; તામિલનાડુમાં નામ-ઓળખ બદલીને રહેતો જાવેદ સારવાર માટે વતન આવ્યો ને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
બાર વર્ષ પહેલાં ટ્રકચાલકની હત્યા કરી લૂંટ ચલાવ્યા બાદ પોલીસથી બચવા માટે તામિલનાડુમાં નામ અને ઓળખ બદલીને રહેવા લાગેલો આરોપી આખરે બીમારીના કારણે પોલીસના સકંજામાં આવી ગયો છે. તબિયત લથડતાં સારવાર લેવા માટે વતન રાજકોટ જિલ્લામાં આવેલા જાવેદ ઉર્ફે જાવલાને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે જામકંડોરણા નજીકની એક વાડીમાંથી ઝડપી લીધો છે. આરોપી છેલ્લા 12 વર્ષથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો અને પોતાનું પગેરું ન મળે તે માટે મોબાઈલ ફોન પણ સાથે રાખતો નહોતો.
આ ચકચારી બનાવની વિગતો મુજબ, વર્ષ 2014માં ટ્રકચાલક જયેશભાઈ જયંતિલાલ પંડ્યા સુરેન્દ્રનગરથી કપાસ ખાલી કરીને રાજકોટ તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બે સગા ભાઈઓ જાવેદ અને નાસિરે તેમની પાછળ વેગનઆર કાર લગાવી હતી. ગુંદા ગામ પાસે ટ્રકને આંતરી ચાલકને નીચે ઉતારી તેના જ ટ્રકના પાછળના ટાયર નીચે માથું કચડી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ કપાસના વેચાણમાંથી મળેલી રોકડ રકમ પૈકી રૂ.50 હજારની લૂંટ ચલાવી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. શરૂઆતમાં ટ્રકચાલકનું મોત અકસ્માતમાં થયું હોવાનું જણાતાં અકસ્માતનો ગુનો નોંધાયો હતો. જોકે, પોલીસની તપાસમાં રૂટ પરના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતાં એક વેગનઆર કાર ટ્રકનો રાજકોટથી સુરેન્દ્રનગર અને ત્યાંથી પરત રાજકોટ સુધી સતત પીછો કરતી હોવાનું સામે આવ્યું હતું. કારના નંબરના આધારે તપાસ આગળ વધતાં અકસ્માત પાછળ હત્યાનું પૂર્વઆયોજિત કાવતરું હોવાનું બહાર આવ્યું હતું.
આ કેસમાં પોલીસે એક આરોપી નાસિરને અગાઉ જ ઝડપી લીધો હતો, પરંતુ તેનો ભાઈ જાવેદ ઉર્ફે જાવલો પોલીસને હાથ લાગ્યો નહોતો. ટ્રક ડ્રાઈવિંગનો વ્યવસાય કરતો હોવાથી તે અલગ-અલગ રાજ્યોમાં ફરતો રહેતો હતો અને થોડા સમયના અંતરે રહેવાનું સ્થળ બદલી નાખતો હતો. પોલીસથી બચવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ પણ ટાળતો હતો. છેલ્લા ઘણા સમયથી જાવેદ તામિલનાડુમાં નામ અને ઓળખ છુપાવીને રહેતો હતો. દરમિયાન તેની તબિયત બગડતાં સારવાર માટે રાજકોટ જિલ્લામાં પરિવાર પાસે આવવું પડ્યું હતું. અહીં રાજકોટ અને જૂનાગઢના તબીબો પાસે સારવાર શરૂ કરાવી હતી. આ દરમિયાન તે જામકંડોરણા નજીકની એક વાડીમાં હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળતાં ટીમે દરોડો પાડી 12 વર્ષથી ફરાર આરોપીને ઝડપી લીધો હતો. ત્યારબાદ વધુ કાર્યવાહી માટે તેને કુવાડવા પોલીસને સોંપવામાં આવ્યો છે. આમ, હત્યાને અકસ્માતનું સ્વરૂપ આપી પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ બાદ દેશના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળ બદલતો ફરતો આરોપી આખરે બીમારીના કારણે વતન આવ્યો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.


