ઉના-ભાવનગર ફોરટ્રેક પર સર્વિસ રોડના અભાવે 10થી વધુ ગામો મુશ્કેલીમાં
ગાંગડા પાસે સર્વિસ રોડ નહીં હોવાથી લોકો પોણા બે કી.મી. રોંગ સાઈડ વાહન હંકારવા મજબૂર
6 વર્ષથી ફોરટ્રેકનું કામ પૂર્ણ થયું છતાં સુવિધા ન મળી; અનેક અકસ્માતો બાદ પણ તંત્ર દ્વારા કાર્યવાહી નહીં
અગ્ર ગુજરાત, ઉના
સોમનાથ-ભાવનગર ફોરટ્રેક હાઈવે પર ઉના તાલુકાના ગાંગડા ગામ નજીક સર્વિસ રોડની સુવિધા ન હોવાથી આસપાસનાં 10 થી વધુ ગામના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામ પાસે યોગ્ય ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું ન હોવાથી ઉનાથી આવતા વાહનચાલકો, વાડી વિસ્તારમાં જતા ખેડૂતો અને સ્થાનિક રહીશોને ના છૂટકે રોંગ સાઈડ વાહન હંકારવાની ફરજ પડી રહી છે. પરિણામે હાઈવે પર સતત અકસ્માતનો ભય રહે છે.
ગાંગડા ગામ નજીક ફોરટ્રેક રોડનું કામ પૂર્ણ થયાને છ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, તેમ છતાં આજદિન સુધી સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી. હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ બનાવી આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. ગાંગડાથી આશરે પોણા બે કિલોમીટર દૂર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જે સ્થાનિક લોકો માટે ખાસ ઉપયોગી સાબિત થતું નથી. ભૂતકાળમાં ગ્રામજનોએ આ મુદ્દે આંદોલન પણ કર્યું હતું, ત્યારે આશ્વાસન મળ્યું હતું, પરંતુ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.અને રોંગ સાઇડ વાહન ચલાવામાં સતત અકસ્માત નો ભય સતાવે છે
ગાંગડા નજીકથી પસવાળા, ગાંગડા, ઉટવાળા, મોલી, લુવારીમોલી, સનખડા, ખત્રીવાડા, દુધાળા, સીમર, માણેકપુર અને મોઠા સહિતનાં ગામોમાં જવા-આવવાનો માર્ગ પસાર થાય છે. આ વિસ્તારનું મુખ્ય ગામ સનખડા હોવાથી આસપાસનાં ગામોના લોકોને પોસ્ટ ઓફિસ, બેન્કિંગ કામગીરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવાઓ માટે અવરજવર કરવી પડે છે. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોવાથી સર્વિસ રોડનો અભાવ લોકો માટે મુશ્કેલીરૂપ બન્યો છે.
ખાસ કરીને સવાર-સાંજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો અને ખેડૂતોને રોંગ સાઈડથી પસાર થતી વખતે ભારે જોખમનો સામનો કરવો પડે છે. સોમનાથ-ભાવનગર હાઈવે પર દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષમાં આ વિસ્તારમાં અનેક અકસ્માતો થયા છે અને અકસ્માતની ઘટનાઓમાં માનવજિંદગી પણ ગુમાવવી પડી છે.
વર્ષ 2024-25માં રજૂઆત મળી હોવાનો પ્રાંત અધિકારીનો સ્વીકાર
આ અંગે સ્થાનિક પ્રાંત અધિકારી એ.જે. શામળાએ જણાવ્યું હતું કે,અમારી જવાબદારી જમીન સંપાદન સુધી સીમિત હોય છે જમીન સંપાદન થયા બાદ હાઈવે ઓથોરિટી ને કામગીરી કરવાની હોય છે સર્વિસ રોડ બાબતે વર્ષ 2024 અને 2025માં ગ્રામજનો તરફથી આ ફરિયાદો મળી હતી, જે ભાવનગર નેશનલ હાઈવે ઓથોરિટીને અમારા તરફ થી મોકલી આપવામાં આવી હતી. ફરી એક વખત સર્વિસ રોડ અંગે ફરિયાદ મળી હોવાથી ગ્રામજનો અને સ્થાનિક લોકોને પડતી મુશ્કેલી અંગે હાઈવે ઓથોરિટીને જાણ કરવામાં આવશે.અને લોકો ને મુશ્કેલી દૂર થાય તેવા પ્રયત્નો કરીશું.


