દારૂના બે દરોડા : ક્રેટા કાર અને બે રિક્ષામાંથી 1572 બોટલ દારૂ ઝડપાયો
પી.સી.બી.એ સોખડા પાસે ક્રેટા કારમાંથી રૂ.1.01 લાખનો દારૂ પકડ્યો, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે આર.કે. યુનિવર્સિટી પાસે બે સીએનજી રિક્ષામાંથી રૂ.3.08 લાખનો જથ્થો ઝડપી લીધો : ત્રણ આરોપી પોલીસ સકંજામાં, એકની શોધખોળ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. રાજકોટ શહેર પોલીસની પી.સી.બી. ટીમે સોખડા ચોકડીથી સોખડા ગામ તરફ જતા રોડ પર રાણીમા રૂડીમા રેસ્ટોરન્ટ પાસે પાર્કિંગમાં ઊભેલી હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી વિદેશી દારૂની 420 બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ-ભાવનગર હાઇવે પર આર.કે. યુનિવર્સિટીના ગેટ પાસે બે અલગ-અલગ સીએનજી રિક્ષામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1152 બોટલો સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આમ, બંને કાર્યવાહીમાં કુલ 1572 બોટલ દારૂ અને વાહનો સહિત રૂ.14.15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રથમ દરોડામાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીકની સૂચનાથી પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી સંયુક્ત બાતમીના આધારે સોખડા રોડ પર રાણીમા રૂડીમા રેસ્ટોરન્ટ પાસે પાર્કિંગમાં તપાસ કરતાં હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી રાજધાની વ્હિસ્કીની 750 એમ.એલ.ની 360 બોટલ અને 9 વન વ્હિસ્કીની 60 બોટલ મળી કુલ 420 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારચાલક અલીએહમદ બસીર શેખ (ઉ.વ.29, રહે. વિનોદનગર આવાસ યોજના, હુડકો ચોકડી પાસે, રાજકોટ)ને ઝડપી લીધો હતો. દારૂની કિંમત રૂ.1,01,400 અને ક્રેટા કારની કિંમત રૂ.8 લાખ મળી કુલ રૂ.9,01,400નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજી તરફ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે રાજકોટ-ભાવનગર હાઇવે પર આર.કે. યુનિવર્સિટીના ગેટ પાસે રોડ ઉપર બે અલગ-અલગ સીએનજી ઓટોરિક્ષા અટકાવી તપાસ કરવામાં આવી હતી. બંને રિક્ષામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 1152 બોટલો મળી આવી હતી. જેમાં પાર્ટી સ્પેશિયલ ગોલ્ડ પ્રીમિયમ, રોયલ ચેલેન્જ, સુપર જ્યુબિલી ગોલ્ડ રિઝર્વ અને ઓલ સિઝન્સ ગોલ્ડન કલેક્શનનો સમાવેશ થાય છે. પોલીસે આકિબ ઇકબાલભાઈ બેલીમ (ઉ.વ.28, રહે. જિલ્લા ગાર્ડન સ્લમ ક્વાર્ટર, કેનાલ રોડ, રાજકોટ) અને ઇદ્રીસખાન ઉર્ફે મયુર અયુબખાન જલવાણી (ઉ.વ.39, રહે. હાથીખાના શેરી નં.17, રામનાથપરા, રાજકોટ)ને ઝડપી લીધા હતા.
ક્રાઇમ બ્રાન્ચે બંને રિક્ષા, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.5,13,948નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં દિલાવર ઉર્ફે જીણી સલીમભાઈ મકરાણી (રહે. ઘાંચીવાડ, રામનાથપરા પાસે, રાજકોટ)નું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આકિબ બેલીમ સામે અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસ મથકમાં અગાઉ પણ પ્રોહિબિશનના બે ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આમ, રાજકોટ શહેર પોલીસની બંને ટીમોએ અલગ-અલગ સ્થળે કાર્યવાહી કરી કુલ 1572 બોટલ વિદેશી દારૂ, એક ક્રેટા કાર, બે સીએનજી રિક્ષા અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.14,15,348નો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને કેસમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


