ઘરકંકાશમાં પરિવારનો કરુણ અંત
બાબરામાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ધોલેરામાં ૧૮ વર્ષીય પુત્ર સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો
બાબરાની ખોજા શેરીમાં મહિલાની હત્યા બાદ પિતા-પુત્રના આપઘાતની ઘટનાથી પંથકમાં શોક અને ચકચાર ; બાબરા પોલીસે મૃતદેહ કબજે લઈ તપાસ શરૂ કરી
અગ્ર ગુજરાત, બાબરા
અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ઘરકંકાશના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતની ચકચારી ઘટના સામે આવી છે. બાબરામાં પતિએ પત્નીની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ ધોલેરા પંથકમાં જઈ પોતાના ૧૮ વર્ષીય પુત્ર સાથે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, બાબરા શહેરના ખોજા શેરી વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા વિનોદભાઈ ગોહિલના પરિવારમાં ઘરકંકાશ ચાલી રહ્યો હતો. આ દરમિયાન વિનોદભાઈએ પોતાના રહેણાંક મકાનમાં પત્ની શારદાબેન વિનોદભાઈ ગોહિલ (ઉં.વ. ૪૦) ના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી તેમની હત્યા કરી નાખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ વિનોદભાઈ તેમના ૧૮ વર્ષીય પુત્ર રોહન સાથે ધોલેરા પંથકમાં પહોંચ્યા હતા. ત્યાં ધોલેરાના કાદીપુર ગામે પિતા વિનોદભાઈ અને પુત્ર રોહન બંનેએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું.
ધોલેરાના કાદીપુર ગામે પિતા-પુત્રના આપઘાતની ઘટના બાદ ધોલેરા પોલીસે પરિવારજનોનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સંપર્ક ન થતા ધોલેરા પોલીસે સ્થાનિક બાબરા પોલીસને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતા બાબરા પોલીસે ગોહિલ પરિવારના રહેણાંક મકાન પર જઈ તપાસ હાથ ધરી હતી, જ્યાં શારદાબેનની માથામાં બોથડ પદાર્થના ઘા મારેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બાબરા પોલીસે મૃતક મહિલાના મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


