ઠંડીના ચમકારા બાદ ફરી ગરમીનું જોર વઘ્યું, લઘુતમ તાપમાનમાં ૨ ડિગ્રીનો વધારો
કડકડતી ઠંડીનો માહોલ જાન્યુઆરી-ફેબ્રુઆરીથી શરૂ થવાની આગાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે ગુલાબી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2.6 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો (Gujarat Weather Update) છે. કચ્છનું નલિયા 13.8°C લઘુત્તમ તાપમાન સાથે સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. 24 નવેમ્બરે નલિયાનું તાપમાન 11.2°C હતું, જે વધીને હવે 13.8°C થયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલની ઠંડી વચ્ચે કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડી શકે છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આગામી સાત દિવસ સુધી ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફારથવાની શક્યતા નથી. આ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો સામાન્ય વધારો થઈ શકે છે. હાલ રાજ્યમાં ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશામાંથી સૂકા તથા ઠંડા પવનો (Gujarat Winter) ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને કારણે વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો અનુભવ થાય છે. જોકે, હાલના પવનની દિશાને કારણે તાપમાનમાં મોટો ઘટાડો થવાની શક્યતા ઓછી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ઠંડીનું જોર વધવા માટે ઉત્તરીય પવનો (North Westerlies) સક્રિય થવા જરૂરી છે. જ્યારે આ પવનો સેટ થશે, ત્યારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની અને ઠંડીવધવાની શક્યતા છે. હાલ અનુભવાઈ રહેલી ઠંડી મુખ્યત્વે પવનની દિશાને કારણે છે. કડકડતી ઠંડીનો માહોલ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનાથી શરૂ થઈ શકે છે.
રાજ્યમાં હાલ ઠંડીનો અહેસાસથઈ રહ્યો છે, પરંતુ તાપમાનમાં થયેલા વધારાને કારણે કડકડતી ઠંડી માટે હજુ થોડો સમય રાહ જોવી પડી શકે છે.
25 નવેમ્બરે ગુજરાતનાં મુખ્ય શહેરોનું લઘુત્તમ તાપમાન
- અમદાવાદ (Ahmedabad Temperature): 18°C, ગાંધીનગર: 17°C, વડોદરા: 16.6°C, સુરત: 21.2°C, રાજકોટ: 18.6°C, ભાવનગર: 19°C, દ્વારકા: 21.8°C, નલિયા: 13.8°C, કંડલા એરપોર્ટ: , 14.4°C, ડીસા: 15.7°C, ભુજ: 17.4°C, સુરેન્દ્રનગર: 18.2°C, દીવ: 19.8°C, દમણ: 21.2°C, પોરબંદર: 22.3°C


