ઝાલાવાડ સત્તર તાલુકા બ્રહ્મસમાજ દ્વારા સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન યોજાયું
નારી શક્તિના હસ્તે ૮૭ તેજસ્વી છાત્રોનું સન્માન; સમાજને નવી દિશા આપતો પ્રયાસ
વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓએ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના સદુપયોગ અને અથાક પરિશ્રમનું મહત્વ સમજાવ્યું; પ્રમુખ કમલેશભાઈ જોશીએ મહિલા નેતૃત્વ અને કારકિર્દી ઘડતર પર ભાર મૂક્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજ, રાજકોટ દ્વારા જ્ઞાતિના સ્નેહમિલન અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. નારી શક્તિના અભિવાદન અને સમાજને એક નવી દિશા આપવાના હેતુથી યોજાયેલા આ સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવનાર બહેનો, કારોબારી સભ્યોના ધર્મપત્નીઓ અને આમંત્રિત મહેમાનોના હસ્તે કુલ ૮૭ તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર, ભેટ, સ્મૃતિચિન્હ તથા વિશેષ યોગ્યતા બદલ વિશિષ્ટ સ્મૃતિચિન્હ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંચ પર સરકારી એન્જિનિયરિંગ કોલેજના વ્યાખ્યાતા અને યોગ શિક્ષક રૂપાબેન આચાર્ય, વીરબાઈમા મહિલા કોલેજના વ્યાખ્યાતા ડો.માનસીબેન દવે, યોગાચાર્ય તથા આયુર્વેદાચાર્ય ડો. ગાયત્રીબેન પાઠક, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ખેવનાબેન શુક્લ, રાજ્ય સરકારના અધિકારી નિમિષાબેન ત્રિવેદી, ઝાલાવાડ ભગિની મંડળના પ્રમુખ સુરભીબેન આચાર્ય, સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના ઉપપ્રમુખ ભાવનાબેન જોશી, હળવદ બ્રહ્મ મિત્ર મંડળ રાજકોટના ઉપપ્રમુખ અલ્પાબેન શુક્લ અને મોરબી-વાંકાનેર બ્રહ્મસમાજના કીર્તિબેન દવે સહિત સમાજના હોદ્દેદારો અને કારોબારી સભ્યોના ધર્મપત્નીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત બહેનો અને મહેમાનોએ દ્રષ્ટાંતો સાથે વિદ્યાર્થીઓને યોગ્યતા હાંસલ કરવા માટે અથાક પરિશ્રમ કરવાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીકાળની મહેનત જ ઉત્તમ ભવિષ્યનો પાયો નાખે છે. હાલ ઈન્ટરનેટ દ્વારા માહિતી સરળતાથી ઉપલબ્ધ છે અને વાલીઓ પણ બાળકોની સુવિધા માટે પ્રતિકૂળતા સહન કરવા તૈયાર છે, ત્યારે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર સમય વેડફવાને બદલે વ્યક્તિગત વિકાસ અને અભ્યાસ માટે સમયનો સદુપયોગ કરવો અત્યંત જરૂરી છે.
આ સમારોહમાં રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક, સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના પ્રમુખ દર્શિતભાઈ જાની, જાણીતા હૃદયરોગ નિષ્ણાત ડો. તેજસભાઈ પંડ્યા, ડેપ્યુટી કલેક્ટર હર્ષદિપભાઈ આચાર્ય, સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના પ્રમુખ પંકજભાઈ રાવલ, જાણીતા કેળવણીકાર ડો. અતુલભાઈ વ્યાસ, સમાજસેવક મુરલીભાઈ દવે, એડવોકેટ અંશભાઈ ભારદ્વાજ, મોરબી-વાંકાનેર બ્રહ્મસમાજના પ્રમુખ લલિતભાઈ જાની, હળવદ બ્રહ્મ મિત્ર મંડળના સહમંત્રી વિપુલભાઈ દવે, સમસ્ત બ્રહ્મસમાજના ઉપપ્રમુખ નલિનભાઈ જોશી તથા વિવિધ તડગોળના આગેવાનો હાજર રહ્યા હતા.
પ્રસંગોચિત સંબોધનમાં પ્રમુખ કમલેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે સમાજે એક નવી દિશા તરફ પ્રથમ પગલું ભરી અન્ય સમાજોને પણ વિચારવા માટે આમંત્રણ આપ્યું છે. ઘરનું સંચાલન કરતી બહેનોની શક્તિઓને જાગૃત કરી તેનો યોગ્ય ઉપયોગ કરવાની તક ઊભી કરાઈ છે અને આગામી સમયમાં સમાજ મહિલાઓની આગેવાની હેઠળ કાર્ય કરે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ક્લાસરૂમ શિક્ષણની સાથે નવા વિષયો અને ઉપલબ્ધ માહિતીના સંકલન દ્વારા કારકિર્દી મજબૂત બનાવવા તથા સમાજના માર્ગદર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે કારોબારી સભ્યો અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી, જેમાં મહામંત્રી પરાગભાઈ ભટ્ટ તથા સહમંત્રીઓ હરેશભાઈ ભટ્ટ અને હર્ષદભાઈ વ્યાસની દૂરંદેશીભરી કામગીરી મહત્વની રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નિલેશભાઈ ઉપાધ્યાય તેમજ વરિષ્ઠ આગેવાન જગદીશભાઈ ત્રિવેદીની પૌત્રીઓ કુ. નંદિની અને કુ. ફોરમ દ્વારા કરવામાં આવ્યું હતું.


