લંપી રોગચાળા બાદ દુષ્કાળની કટોકટીમાં પૂજ્ય લાલબાપુની જીવદયા : સદભાવના બળદ આશ્રમને રૂ. ૨૫ લાખનું અનુદાન
૮,૦૦૦થી વધુ નિરાધાર બળદોના નિભાવ માટે ગધેથડ ગાયત્રી આશ્રમના સંતનું યોગદાન; સમાજને સેવાયજ્ઞમાં જોડાવા અપીલ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રમાં અપૂરતા વરસાદને કારણે સર્જાયેલી દુષ્કાળની સ્થિતિમાં ઘાસચારાના તીવ્ર અભાવે ખેડૂતો અને પશુપાલકોને પોતાના બળદો રાહત કેમ્પમાં મૂકવાની ફરજ પડી છે. આવા કપરા સમયમાં રાજકોટના સદભાવના બળદ આશ્રમ દ્વારા ૮,૦૦૦થી વધુ નિરાધાર બળદોની સારસંભાળ રાખવામાં આવી રહી છે. જીવદયાના આ સેવાકાર્યને બિરદાવતા ગધેથડ ગાયત્રી આશ્રમના સંત લાલબાપુએ સદભાવના આશ્રમને રૂપિયા ૨૫ લાખનું આર્થિક અનુદાન આશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયાને અર્પણ કર્યું છે.
અબોલ પશુઓ પ્રત્યે કરુણા ધરાવતા પૂજ્ય લાલબાપુ અગાઉ લંપી વાયરસના રોગચાળા દરમિયાન પણ પોતાના તપોબળ અને દેશી ઔષધિના પ્રયોગોથી લાખો ગાયોને નવજીવન આપવા માટે જાણીતા રહ્યા છે. હવે દુષ્કાળમાં બળદો પર આવેલી આફત સમયે તેમણે આપેલા આર્થિક સહયોગથી અન્ય દાતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓને પણ જીવદયાના આ કાર્યમાં જોડાવાની પ્રેરણા મળી છે.
આ પ્રસંગે પૂજ્ય લાલબાપુએ સદભાવના બળદ આશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા, ઉપપ્રમુખ રાજેશભાઈ રૂપાપરા તેમજ ટ્રસ્ટીઓની સેવાભાવનાને બિરદાવી આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જેમને ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય કોઈ આધાર નથી, તેવા હજારો બળદોને સાચવવા એ પુણ્યશાળી આત્માઓનું કામ છે અને ગૌવંશનું રક્ષણ કરવું એ સમગ્ર સમાજની નૈતિક ફરજ છે. “આ અબોલ બળદોને ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય બીજો કોઈ સહારો નથી. આપત્તિના સમયે ખેડૂતો ભારે હૈયે બળદોને કેમ્પમાં મૂકવા મજબૂર બન્યા છે, ત્યારે તેમનું જતન કરવું એ મહાપુણ્યનું કાર્ય છે. સદભાવના આશ્રમની ટીમ જે રીતે હજારો અબોલ જીવોની સેવા કરી રહી છે તે સાચા અર્થમાં ઈશ્વરીય કાર્ય છે. સમાજના વધુને વધુ લોકો આ સેવાયજ્ઞમાં જોડાય તેવી મારી અભ્યર્થના છે.”
બળદોના નિભાવ માટે આશરે ૧૦૦ વીઘા જેટલી જમીન નિઃશુલ્ક અર્પણ કરનારા સેવાભાવી દાતાઓ—હરદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા (નાના મવા), જયદીપસિંહ પ્રવીણસિંહ જાડેજા (નાના મવા), નરેન્દ્રસિંહ જાડેજા (અકિલા), દિલીપસિંહ પ્રવીણસિંહ જાડેજા (PCC), ચેતનસિંહ પ્રવીણસિંહ જાડેજા (PCC) અને તુષારભાઈ ગોવિંદભાઈ ઊંધાડ (મવડી)—નો લાલબાપુએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી ધન્યવાદ પાઠવ્યા હતા.


