રાજકોટના છ સાહસિક યુવાનોની અનોખી સિદ્ધિ: માઈનસ ડિગ્રી ઠંડીમાં ૧૨,૫૦૦ ફૂટ ઊંચો ‘બ્રહ્મતાલ ટ્રેક’ સર કર્યો
ઉત્તરાખંડ હિમાલયની વિષમ પરિસ્થિતિ અને ઓક્સિજનની અછત વચ્ચે અડગ મનોબળથી બરફાચ્છાદિત શિખર પર પહોંચ્યા : હાડ થીજવતી ઠંડી અને કઠિન ચઢાણ પાર કરી રાજકોટનું ગૌરવ વધાર્યું;
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉત્તરાખંડ હિમાલયની પર્વતમાળાઓમાં આવેલો અત્યંત કઠિન અને રોમાંચક ગણાતો ૧૨,૫૦૦ ફૂટ ઊંચો બ્રહ્મતાલ ટ્રેક રાજકોટના છ યુવાનોએ સફળતાપૂર્વક સર કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ સાહસપૂર્ણ ટ્રેકિંગ અભિયાનમાં ધનરાજ ઠાકોર, અક્ષય વાઢેર, યશપાલ વાઢેર, જયદીપ ડોડિયા, કરણ હેરમા અને રણવીરસિંહ ચૌહાણ જોડાયા હતા.
શિયાળાની ઋતુમાં માઈનસ ડિગ્રી તાપમાન, હાડ થીજવતી ઠંડી, બદલાતા પર્વતીય વાતાવરણ અને ઊંચાઈ પર ઓક્સિજનની અછત જેવી વિકટ પરિસ્થિતિઓ વચ્ચે પણ આ છ મિત્રોએ અડગ મનોબળ અને ટીમવર્ક દાખવીને આ પડકારરૂપ ચઢાણ પૂર્ણ કર્યું હતું. કઠિન ભૌગોલિક પડકારોને પાર કરી સફળતાપૂર્વક બરફાચ્છાદિત શિખર પર પહોંચવા બદલ તમામ સાહસિક યુવાનો પર પરિવારજનો, સ્નેહીજનો અને મિત્રવર્તુળ દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.
બ્રહ્મતાલ ટ્રેક ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત બ્રહ્મતાલ ટ્રેક સાહસિકો માટે શિયાળાનું અદભુત ડેસ્ટિનેશન ગણાય છે. દરિયાઈ સપાટીથી આશરે ૧૨,૨૫૦થી ૧૨,૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા આ ટ્રેક પરથી ત્રિશૂલ અને નંદઘુંટી જેવા વિશાળ હિમાલયન શિખરોનો અદભુત નજારો જોવા મળે છે. પૌરાણિક માન્યતા મુજબ, બ્રહ્માજીએ આ સ્થળે તપસ્યા કરી હોવાથી આ સરોવરને ‘બ્રહ્મતાલ’ નામ મળ્યું છે. શિયાળા દરમિયાન અહીંનું થીજી ગયેલું સરોવર, ગાઢ બરફની ચાદર અને દેવદારના જંગલો પ્રકૃતિપ્રેમીઓ અને ટ્રેકર્સ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે.


