જાણીતા રક્તરોગ નિષ્ણાત ડૉ. મોહન બી. અગ્રવાલ રવિવારે રાજકોટમાં: થેલેસેમીયા પીડિતોને આપશે માર્ગદર્શન
સદગુરૂ લોકકલ્યાણ ફાઉન્ડેશન અને વિવેકાનંદ યુથ ક્લબના નિમંત્રણથી આગમન; દર્દીઓ, વાલીઓ અને સંસ્થાઓને મળશે નિષ્ણાત સલાહ
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતના જાણીતા અને અનુભવી હેમેટોલોજિસ્ટ (રક્તરોગ નિષ્ણાત) તથા હેમેટો-ઓન્કોલોજિસ્ટ ડો. મોહન બી. અગ્રવાલ તબીબી જગતમાં એક પ્રતિષ્ઠિત નામ છે. રક્તના વિવિધ રોગો, થેલેસેમીયા, સિકલસેલ, લ્યુકેમિયા સહિતના જટિલ રક્તરોગોની સારવાર, સંશોધન અને તબીબી શિક્ષણ ક્ષેત્રે તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ડો. અગ્રવાલે મુંબઈની પ્રતિષ્ઠિત શેઠ જી.એસ. મેડિકલ કોલેજમાંથી તબીબી અભ્યાસ પૂર્ણ કરી MD અને MNAMSની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેમણે લંડનની યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલ તથા રોયલ ફ્રી હોસ્પિટલમાં વિશેષ તાલીમ પણ મેળવી છે. વર્ષ 1983માં તેમને સાયપ્રસ ખાતે થેલેસેમીયાના સામુદાયિક નિયંત્રણ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની ફેલોશિપ પ્રાપ્ત થઈ હતી.
તેઓ મુંબઈની બોમ્બે હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના હેમેટોલોજી વિભાગના પ્રોફેસર અને વડા તરીકે સેવા આપી ચૂક્યા છે. પી.ડી. હિન્દુજા હોસ્પિટલ, લીલાવતી હોસ્પિટલ અને બ્રીચ કેન્ડી હોસ્પિટલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા રહ્યા છે. મુંબઈ યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ આશરે ત્રણ દાયકા સુધી અધ્યાપન કાર્ય કર્યું છે.
થેલેસેમીયા ક્ષેત્રે તેમનું યોગદાન વિશેષ નોંધપાત્ર છે. મુંબઈની થેલેસેમીયા એન્ડ સિકલ સેલ સોસાયટીની સ્થાપનામાં તેઓ સ્થાપક સભ્ય તરીકે જોડાયા હતા અને લાંબા સમય સુધી મંત્રી તરીકે સેવા આપી હતી. થેલેસેમીયાના દર્દીઓ માટે આયર્ન ચિલેશન થેરાપી સહિતની સારવાર પદ્ધતિઓના વિકાસમાં પણ તેમનું યોગદાન રહ્યું છે. થેલેસેમીયા અંગે દર્દીઓ, વાલીઓ અને તબીબી વિદ્યાર્થીઓને ઉપયોગી બને તેવા ‘Living with Thalassemia’ નામના પુસ્તકનું પણ તેમણે લેખન કર્યું છે.
તેઓ ઇન્ડિયન સોસાયટી ઑફ હેમેટોલોજીના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે તથા મુંબઈ હેમેટોલોજી ગ્રૂપના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. થેલેસેમીયા ઇન્ટરનેશનલ ફેડરેશન સાથે સલાહકાર તરીકે પણ તેમનું જોડાણ રહ્યું છે.
તબીબી સંશોધન અને જ્ઞાનના પ્રસાર માટે તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલોમાં 120થી વધુ સંશોધન લેખો પ્રકાશિત કર્યા છે. હેમેટોલોજી ક્ષેત્રે શિક્ષણ, સંશોધન અને નિષ્ણાત માર્ગદર્શન માટે તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો પ્રાપ્ત થયાં છે.
આવા અનુભવી અને પ્રતિષ્ઠિત તબીબ ડો. એમ.બી. અગ્રવાલ સાહેબ રાજકોટ-સૌરાષ્ટ્રના થેલેસેમીયા પીડિત બાળકોને માર્ગદર્શન આપવા સદગુરૂ લોકકલ્યાણ ફાઉન્ડેશન અને સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબના નિમંત્રણને માન આપી આગામી તારીખ 29/11/2026 રવિવારે રાજકોટ પધારી રહ્યા છે. તેમના આગમનથી થેલેસેમીયા પીડિત બાળકો, તેમનાં માતા-પિતા તથા આ ક્ષેત્રે કાર્યરત સેવાભાવી સંસ્થાઓને નિષ્ણાત માર્ગદર્શન અને નવી આશાનું બળ મળશે.
કાર્યક્રમ અંગેની વિશેષ માહિતી માટે અનુપમભાઈ દોશી (મો. 9428233796), મિતલભાઈ ખેતાણી (મો. 9824221999), જીતુલભાઈ કોટેચા (મો. 9374154000) ડો. રવિ ધાનાણી (મો. 7016953351) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


