સગીરાને લગ્નની લાલચે ભગાડી જઈ દુષ્કર્મ આચરી ચાર માસનો ગર્ભ રાખી દીધો
સિવિલ હોસ્પિટલમાં પિતાની સારવાર દરમિયાન સુરેન્દ્રનગરના શખ્સ સાથે ઓળખાણ થઈ હતી; એક વર્ષ બાદ ઘરે પરત ફરી બાળાએ પરિવારને આપવીતી વર્ણવી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં સગીરાઓની સુરક્ષાને લઈને ચિંતાજનક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પિતાની સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પરિચયમાં આવેલા સુરેન્દ્રનગરના એક શખ્સે 15.5 વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પોતાની સાથે લઈ જઈ કથિત રીતે વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન સગીરા ચાર માસની ગર્ભવતી બની ગઈ હોવાનો પણ ખુલાસો થયો છે.
આખરે એક વર્ષ જેટલા સમય બાદ સગીરા રાજકોટમાં પોતાના માતા-પિતાના ઘરે પરત ફરી હતી અને પોતાની સાથે બનેલી સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી. દીકરીની આપવીતી સાંભળીને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારબાદ પિતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુરેન્દ્રનગરના વિજય ગોપાલભાઈ ડાભી સામે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, આશરે એક વર્ષ પહેલાં સગીરાના પિતાની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તે સમયે તેમની દેખરેખ માટે 15 વર્ષની દીકરી પણ હોસ્પિટલમાં સાથે રહેતી હતી. હોસ્પિટલમાં અન્ય એક દર્દીના પરિચિત તરીકે હાજર રહેતા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તાજપર ગામના વિજય ગોપાલભાઈ ડાભીનો સગીરા સાથે પરિચય થયો હતો. હોસ્પિટલમાં ચાર દિવસના રોકાણ દરમિયાન આરોપીએ સગીરા સાથે વાતચીત વધારી તેને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી.
આરોપીએ સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી જુલાઈ 2025માં તેને રાજકોટથી ભગાડી પોતાના ગામ લઈ ગયો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ લગ્ન કરવાની લાલચ આપીને સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન સગીરા ગર્ભવતી બની હતી અને હાલ તેને ચાર માસનો ગર્ભ હોવાનું પણ સામે આવ્યું છે.
લગભગ એક વર્ષ બાદ સગીરા કોઈ કારણોસર રાજકોટમાં પોતાના માતા-પિતાના ઘરે પરત આવી હતી. પરિવારજનોએ પૂછપરછ કરતાં તેણે વિજય ડાભી સાથે બનેલી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. દીકરી ચાર માસની ગર્ભવતી હોવાની વાત સામે આવતાં પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો. આખરે પિતાએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. યુનિવર્સિટી પોલીસે વિજય ગોપાલભાઈ ડાભી સામે પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


