- બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી
- ખાલિસ્તાનીઓની મદદ માટે રખાયેલી દાનપેટીઓ પણ દૂર કરાશે
- ઋષિ સુનકે બનાવેલી ટાસ્ક ફોર્સે ખાલિસ્તાનીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી
આજકાલ દુનિયાના અનેક દેશો ખાલિસ્તાની આતંકીઓના એજન્ટો સક્રિય રીતે ભારત વિરોધી કાર્યો અને રેલીઓ આયોજિત કરી રહ્યા છે ત્યારે ભારતે હવે વિદેશી ધરતી પર માથું ઊંચકી રહેલા ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે પોતાનું દબાણ વધાર્યુ છે જેની અસર દેખાવા લાગી છે. ખાલિસ્તાનીઓના સમર્થનમાં ભારત સાથે સંબંધ બગાડનારા કેનેડાને તેની ભાષામાં જ જવાબ આપીને ભારતે ઘૂંટણિયે નમાવી દીધું હતું ત્યારે હવે ભારતની સખતાઇ બાદ બ્રિટને પણ ખાલિસ્તાની તત્ત્વો પર લગામ લગાવવાનું શરૂ કર્યુ છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે બનાવેલી ટાસ્ક ફોર્સે ખાલિસ્તાનીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બ્રિટન સરકારે ખાલિસ્તાની તત્ત્વોને ફંડિંગ પૂરું પાડનારા 50 કરતા વધારે બેન્ક ખાતાઓને ફ્રીઝ કરી દીધા છે. ફ્રીઝ કરાયેલા તમામ એકાઉન્ટ ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા હતા. આ સંગઠન ભારતમાં પ્રતિબંધિત છે. બ્રિટિશ ટાસ્ક ફોર્સે તે તમામ કહેવાતા સમાજ સેવી સંગઠનોનું લિસ્ટ પણ તૈયાર કર્યુ છે જે ખાલિસ્તાઓની સાથે જોડાયેલા છે.એટલું જ નહીં બ્રિટનમાં જાહેર સ્થળો પર ખાલિસ્તાનના નામે દાન એકઠું કરવા માટે ગોઠવવામાં આવેલી દાનપેટીઓ પર પણ પ્રતિબંધ લદાશે.
ભારતે બ્રિટન સહિતના દેશો પર દબાણ કર્યુ હતું
તાજેતરના સમયમાં કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિતના ઘણાં દેશોમાં ખાલિસ્તાની તત્ત્વો દ્વારા ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ અપાયો હતો. વિદેશોમાં આવેલા હિન્દુ મંદિરો પર હુમલા, ભારતીય દૂતાવાસો પર હુમલા, તિરંગાનું અપમાન સહિતના ઉશ્કેરણીજનક કૃત્યો ખાલિસ્તાની તત્ત્વો દ્વારા કરાયા હતા. પછી ભારતે દબાણ કર્યુ હતું.


