- પોલીસે બાતમીના આધારે એક શુદ્ધ ઘી બનાવતી ફેક્ટરીમાં સર્ચ હાથ ધર્યું
- શુદ્ધ ઘી અને વેજીટેબલ ફેટ એક જ જગ્યાએ બનાવતા
- વેજીટેબલ ફેટ બનાવવાની આડમાં ભેળસેળ યુક્ત ઘી બનાવતા
ખેડા જિલ્લો જાણે કે નકલી ખાદ્ય પદાર્થ અને ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થોનું હબ બની ગયું હોય તેમ એક બાદ એક ખાદ્ય પદાર્થો ઝડપાઈ રહ્યા છે. ત્યારે વધુ એક વાર મહેમદાવાદથી નકલી ઘી ઝડપાયું છે.
શુદ્ધ ઘી અને વેજીટેબલ ફેટ એક જ જગ્યાએ બનાવતા
નકલી હળદર, નકલી મરચુ, મસાલા, નકલી ઘી અને નકલી ઈનો બાદ વધુ એક વખત શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી મહેમદાવાદ પોલીસે ઝડપી પાડી છે. પોલીસ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાલાજી ગાયનું શુદ્ધ ઘી અને લીઝા નામની વેજીટેબલ ફેટ એક જ જગ્યાએ બનાવતા હતા. ત્યારે એક જ પ્રીમાઈસિસમાં મંજૂરી કેમની આપી તેવા અનેક સવાલ ઉભા થયા હતા.

પોલીસે બાતમીના આધારે એક શુદ્ધ ઘી બનાવતી ફેક્ટરીમાં સર્ચ હાથ ધર્યું
મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામની સીમમાંથી મહેમદાવાદ પોલીસે બાતમીના આધારે એક શુદ્ધ ઘી બનાવતી ફેક્ટરીમાં સર્ચ હાથ ધર્યું હતું. જ્યાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘી પોલીસને મળી આવ્યું હતું. પોલીસને આ શંકાસ્પદ ઘીનો જથ્થો નકલી હોવાની શંકા જતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઈ હતી. ત્યારે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. વેજીટેબલ ઓઇલ, સનફ્લાવર ઓઇલ, પામોલીન ઓઇલ સહિતનો મુદ્દામાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરીને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વેજીટેબલ ફેટ બનાવવાની આડમાં ભેળસેળ યુક્ત ઘી બનાવતા
ત્યારે આ ફેક્ટરીમાં વેજીટેબલ ફેટ બનાવવાની આડમાં ભેળસેળ યુક્ત ગાયનું શુદ્ધ ઘી બનાવવાની સમગ્ર કાર્યવાહી ચાલી રહી હતી. હવે જોવાનું એ રહેશે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેવા પ્રકારની સચોટ, નિષ્પક્ષ અને પારદર્શક કાર્યવાહી કરે છે.


