- ભારતીયો દર અઠવાડિયે સરેરાશ 47.7 કલાક કામ કરે છે
- સૌથી વધુ કામ કરતા વિશ્વના ટોપ ટેન દેશોમાં સાતમા ક્રમે
- આ મુદ્દાએ દેશમાં તો ઠીક વિદેશોમાં પણ ચર્ચા જગાવી છે
તાજેતરમાં ઈન્ફોસિસનાં સહસ્થાપક નારાયણ મૂર્તિ દ્વારા દરેક ભારતીયોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ તેવી ટિપ્પણી કરી હતી. આ મુદ્દાએ દેશમાં તો ઠીક વિદેશોમાં પણ ચર્ચા જગાવી છે. સામાન્ય રીતે ભારતમાં દર અઠવાડિયે કામકાજનાં કલાકો સરેરાશ 47.7 કલાકનાં છે. સૌથી વધુ કામ કરતા ટોપ ટેન દેશોમાં કામકાજનાં કલાકોનાં સંદર્ભમાં ભારતીયો સાતમા ક્રમે છે. વિશ્વની ટોપ ટેન ઈકોનોમીની તુલનામાં ભારતીયો દર અઠવાડિયે વધુ કલાકો કામ કરે છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)નાં 2018નાં રિપોર્ટમાં જણાવ્યા મુજબ વધુ કામકાજનાં કલાકોનાં સંદર્ભમાં કતાર, કોંગો, લેસોથો, ભુતાન, ગામ્બિયા તેમજ સંયુક્ત આરબ અમીરાત એમ સાત દેશો ભારત કરતા આગળ છે. જ્યારે અમેરિકા તેમજ યુકે ભારત કરતા ઘણા પાછળ છે. નારાયણ મૂર્તિનાં દર અઠવાડિયે લોકોએ 70 કલાક કામ કરવું જોઈએ તેવા સૂચનને કેટલાક લોકોએ આવકાર્યું છે જ્યારે કેટલાક લોકો તેનો અમલ કરવો શક્ય નથી તેવું કહીને નોન પ્રેક્ટિકલ ગણાવી રહ્યા છે.
ભારતનો GDP કામકાજના કલાકોના સંદર્ભમાં ઓછો
દેશની સમૃદ્ધિ અને વિકાસને કામકાજનાં કલાકો સાથે વિપરીત સંબંધ છે. જે દેશમાં કામકાજનાં કલાકો ઓછા હોય છે ત્યાં માથાદીઠ GDP ઊંચો હોય છે પણ ભારતનાં કિસ્સામાં આ ક્રમ ઊંધો છે. વિશ્વની ટોપ ટેન ઈકોનોમીમાં ભારતમાં કામકાજનાં કલાકો વધારે હોવા છતાં તેનો માથાદીઠ GDP ઘણો નીચો છે. ફ્રાન્સમાં સરેરાશ કામકાજનાં કલાકો ટૂંકામાં ટૂંકા 30.1 કલાકનાં છે પણ તેનો માથાદીઠ GDP 55,493 ડૉલર એટલે કે (રૂ. 46,16,620) છે જે વધુ ઉત્પાદનલક્ષી અને સમૃદ્ધ ઈકોનોમીનો સંકેત કરે છે.
સૌથી વધુ કામ UAEના લોકો કરે છે
આખા વિશ્વમાં સૌથી વધુ કામકાજના કલાકો યુએઈમાં છે જ્યાં લોકો અઠવાડિયામાં સરેરાશ 52.6 કલાક કામ કરે છે. 46 ટકા વર્કફોર્સ દર અઠવાડિયે 49 કલાક કે તેથી વધુ કામ કરે છે. બીજા સ્થાને ગામ્બિયા છે જ્યાં લોકો સરેરાશ 50.8 કલાક કામ કરે છે. ભૂતાન ત્રીજા ક્રમે છે જ્યાં અઠવાડિયામાં લોકો સરેરાશ 50.7 કલાક કામ કરે છે. ચોથા સ્થાને લેસોથો છે જ્યાં લોકો સરેરાશ 49.8 કલાક કામ કરે છે. પાંચમા સ્થાને કોંગોનાં લોકો અઠવાડિયે સરેરાશ 48.6 ટકા કામ કરે છે. ભારત આ ક્રમમાં સાતમા સ્થાને છે જ્યાં દરેક ભારતીય અઠવાડિયામાં સરેરાશ 47.7 કલાક કામ કરે છે.
અમેરિકા અને યુકે ઘણા પાછળ
આઈએલઓએ બનાવેલી 163 દેશોની યાદીમાં બ્રિટન, અમેરિકા અને કેનેડા ઘણા પાછળ છે. કામકાજનાં કલાકોનાં મામલે ચીનનો 16મો ક્રમ આવે છે જ્યાં વીકમાં સરેરાશ કામકાજનાં કલાકો 46.1 કલાક છે. અમેરિકા 115મા ક્રમે છે જ્યાં સરેરાશ કામકાજનાં કલાકો 36.4 કલાક છે. યુકે 121માં સ્થાને છે જ્યાં કામકાજનાં કલાકો સરેરાશ 35.9 કલાક છે. કેનેડાનો નંબર 151મો આવે છે જ્યાં સરેરાશ વર્કિંગ અવર્સ 32.1 કલાક જ છે.