- પંજાબ સરકારે અટકેલાં 7 બિલને લઈને સુપ્રીમ કોર્ટમાં કરી ફરિયાદ
- 7 બિલો પર અત્યાર સુધી તમે કેમ પગલાં ન લીધા: સુપ્રીમ કોર્ટ
- સુપ્રીમ કોર્ટમાં અરજી બાદ પંજાબના રાજ્યપાલે સીએમને લખ્યો પત્ર
પંજાબ સરકારના 7 બિલ અટકાઈ રાખવાના આરોપમાં સુપ્રીમ કોર્ટે સોમવારે કડક ટિપ્પણી કરતાં ગવર્નર પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે ગવર્નરને સવાલ કરતાં કહ્યું છે શુક્રવાર સુધી તમે જવાબ આપો કે સરકારના 7 બિલો પર અત્યાર સુધી તમે કેમ પગલાં નથી લીધા? તેની સાથે જ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાની વાળી ખંડપીઠે કહ્યું કે ગવર્ણરોએ સુપ્રીમ કોર્ટમાં કેસ પહોંચ્યા બાદ કામ શરૂ ન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર અને રાજ્યપાલોએ પોતાના વિવાદ પરસ્પર ચર્ચા દ્વારા ઉકેલી લેવા જોઈએ.
બિલ પરત કરવાનો અધિકાર, અટકાવવાનો નહિ
ઉપરાંત ખંડપીઠે કહ્યું કે ગવર્નરોને બિલ પરત કરવાનો અધિકાર હોવા છતાં તેઓ તેને અટકાવી ન રાખી શકે. ખંડપીઠે કહ્યું કે રાજ્યપાલ ચૂંટાયેલી સરકારની જેમ નથી હોતા અને તેમણે બિલોને મંજૂર કરવા કે પરત કરવા અંગે સમયસર નિર્ણય લેવો જોઈએ. વાસ્તવમાં, પંજાબની આપ સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે જેમાં તેમણે રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત પર આરોપ લગાવ્યો છે કે તેઓ 7 બિલો પર નિર્ણય નથી લઈ શકતા જે તેમની પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા. પંજાબ સરકારે જણાવ્યું છે કે જૂનમાં ચાર બિલ મોકલવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ નાણાં બિલ ગૃહમાં લાવવામાં આવે તે પહેલાં જ મોકલવામાં આવ્યા હતા.
સત્ર બોલાવવા માટે પણ સરકારોને કોર્ટમાં કેમ આવવું પડે?
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું, ‘તમામ રાજ્યપાલોએ આ અંગે વિચાર કરવો જોઈએ. તેઓ ચૂંટાયેલા નથી. નાણાં બીલ રોકવા માટે પણ સમય મર્યાદા છે. આખરે સત્ર બોલાવવા માટે પણ સરકારોને કોર્ટમાં કેમ આવવું પડે છે? આ એવા મામલા છે જેને મુખ્યમંત્રી અને રાજ્યપાલે સાથે બેસીને ઉકેલવા જોઈએ. આ મામલામાં આગામી સુનાવણી 10 નવેમ્બરે કોર્ટમાં થશે. ત્યાં સુધી રાજ્યપાલે જણાવવું પડશે કે તેમણે પેન્ડિંગ બિલો અંગે અત્યાર સુધી શું પગલાં લીધાં છે.
રાજ્યપાલને બિલ પરત મોકલવાનો અધિકાર
સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યપાલને પણ કોઈ પણ બિલ સરકારને પરત મોકલવાનો અધિકાર છે, પરંતુ મામલો કોર્ટમાં આવે તે પહેલા રાજ્યપાલે નિર્ણય લેવો જોઈએ. કોર્ટે પંજાબમાં વિધાનસભા સત્રના સતત ચાલુ રહેવા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે બંધારણમાં આ જોગવાઈ નથી. તેના પર પંજાબના સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રાજ્યપાલે તમામ 7 બિલો પર નિર્ણય લઈ લીધો છે. આ અંગેની માહિતી ટૂંક સમયમાં સરકારને આપવામાં આવશે. રાજ્ય સરકારની દલીલ એવી હતી કે રાજ્યપાલ બિલને અનિશ્ચિત સમય માટે રોકી શકતા નથી અને બંધારણની કલમ 200 હેઠળ તેમની સત્તાઓ મર્યાદિત છે.
સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થતાં રાજ્યપાલનો યુ-ટર્ન
પંજાબ સરકારે પંજાબના રાજ્યપાલ દ્વારા બોલાવવામાં આવેલા પંજાબ વિધાનસભાના વિશેષ સત્રને ગેરકાયદેસર ગણાવતા અને બિલ પસાર ન કરવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાના પંજાબ સરકારના નિર્ણય બાદ રાજ્યપાલનો યુ-ટર્ન આવ્યો છે. રાજ્યપાલે મુખ્યમંત્રીને પત્ર લખીને સ્પષ્ટતા કરી હતી કે તેઓ પંજાબ સરકાર દ્વારા પંજાબના હિતમાં લાવવામાં આવેલા બિલ પર વિચાર કરવા તૈયાર છે.