સુરતના અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર સંકુલ
નરેશભાઈ પટેલની મહત્વપૂર્ણ જાહેરાત : આગામી સમયમાં ખોડલધામ મંદિર સંકુલ- સુરત દક્ષિણ ઝોનનું ભૂમિપૂજન કરાશે
અગ્ર ગુજરાત, સુરત
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના સ્વપ્નદ્રષ્ટા અને ચેરમેન નરેશભાઈ પટેલે સુરત મુકામે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. સુરતના લા ગ્રીન લગુન ખાતે આયોજિત આ પત્રકાર પરિષદમાં દક્ષિણ ગુજરાતના પાટીદારો અને શ્રદ્ધાળુઓ માટે એક મોટા પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
પત્રકારોને સંબોધતા નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં શ્રી ખોડલધામ મંદિર સંકુલના નિર્માણ માટે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામ ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના તમામ ટ્રસ્ટીઓ સાથે ગહન વિચાર-વિમર્શ અને ચર્ચા કર્યા બાદ જમીન ખરીદીની આ જાહેરાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ જગ્યાએ શ્રી ખોડલધામ મંદિર સંકુલ- દક્ષિણ ઝોનનું ભૂમિપૂજન કરવામાં આવશે અને નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.
અંત્રોલી ગામે સંપાદિત કરાયેલી વિશાળ જમીન પર શ્રી ખોડલધામ મંદિર સંકુલ- દક્ષિણ ઝોનનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે. આ સંકુલમાં મા ખોડલના ભવ્ય મંદિરની સાથે સમાજ ઉપયોગી અન્ય વિવિધ પ્રકલ્પો પણ સાકાર થશે. આ નવા સંકુલના નિર્માણથી દક્ષિણ ગુજરાતમાં વસતા લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થા, સંગઠન અને સમાજ ઉત્કર્ષનું એક નવું કેન્દ્ર ઊભું થશે.
મહત્વનું છે કે, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાતના વિવિધ ઝોનમાં શ્રી ખોડલધામ મંદિર સંકુલના નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હાલ ઉત્તર ગુજરાત ઝોનમાં પાટણ જિલ્લાના સંડેર ગામે શ્રી ખોડલધામ મંદિર સંકુલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઝોનમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામે જમીન ખરીદી કરવામાં આવી છે અને હવે આગામી દિવસોમાં ભૂમિપૂજન કરવામાં આવશે. આ ઉપરાંત મધ્યગુજરાત ઝોનમાં અમદાવાદ પાસે પણ સંકુલ નિર્માણ પામશે. વિદેશની ધરતી પર લંડનમાં પણ શ્રી ખોડલધામ સંકુલ નિર્માણ કરવાનો સંકલ્પ પરિપૂર્ણ કરવામાં આવશે. જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે અને હરિદ્વારમાં પણ ટ્રસ્ટ દ્વારા અતિથિ ભવન બનાવવામાં આવશે. આ ઉપરાંત શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે પણ શ્રદ્ધાળુઓ માટે અતિથિ ભવન નિર્માણ કરવામાં આવશે. આ સાથે જ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અમરેલી ગામ પાસે 43 એકર જગ્યામાં અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. વધુ માહિતી માટે સંપર્કઃ મો.નં. 99135 80980 અથવા મો.નં. 98797 99333નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.


