- ભાજપના બળવાખોર સભ્યોનું રાજકીય અધઃપતન નિશ્ચિત
- ભાજપના બળવાખોરોની સ્થિતિ ન કુત્તા ઘરકા ન ઘાટકા જેવી થઇ
- કોંગ્રેસના મહેબુબ વ્હોરાનુ નામ કારોબારી કમિટીમા મુકાતા જ હોબાળો મચ્યો
સોજીત્રા નગરપાલિકામાં ભાજપના કેટલાક સભ્યોએ બળવો કરી કોંગ્રેસ સાથે સત્તા હસ્તગત કરી છે. પરંતુ બળવાખોર સભ્યોની કફોડી હાલત થઇ છે. એક તરફ તેઓ સામે પક્ષાંતર ધારા હેઠળની પ્રક્રિયાનો સામનો કરવો મુશ્કેલ છે. બીજી તરફ પાલિકાને સુપરસીડ કરવા તરફની કવાયતની વચ્ચે આજે યોજાયેલી સામાન્ય સભામાં કમિટીઓની રચનામાં 11 સભ્યોએ સખ્ત વિરોધ કરતાં બળવાખોરોના ગળે હાડકુ ભરાયુ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. તદુપરાંત સુપરસીડની કારણદર્શક નોટીસના જવાબ માટેનો પણ નિર્ણય લઇ શકતા ન હોઇ ભાજપના બળવાખોરોની સ્થિતિ ન કુત્તા ઘરકા ન ઘાટકા જેવી થઇ છે.કોંગ્રેસના મહેબુબ વ્હોરાનુ નામ કારોબારી કમિટીમા મુકાતા જ હોબાળો મચ્યો હતો.
સોજીત્રા નગરપાલિકાના પ્રમુખ ઉન્નતિબેન રાણાના અધ્યક્ષસ્થાને આજે બપોરે 1 1 .00 કલાકે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં વિવિધ કમિટીઓની રચનાનો મુદ્દો રજુ થતાં જ સત્તાધારી જુથનુ સમર્થન કરતાં કોેગ્રેસના 8 કાઉન્સીલરો પૈકી મહેબુબ વ્હોરા, ગીતાબેન તળપદા અને ઇમરાન વ્હોરાએ વિરોધ કર્યો હતો. જેથી કમિટીઓના મુદ્દે મતદાન થતાં ભાજપના 8 કાઉન્સીલરોએ અને કોગ્રેસના 3 સભ્યોએ 1 1 વિરૂદ્ધ 1 0 મતે નામંજુર કરતાં કમિટીઓની રચના થઇ શકી નથી. તદુપરાંત એજન્ડાના અન્ય વિકાસના કામો રજુ થયા હતા. પરંતુ બળવાખોરો સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી ચાલી રહી હોઇ નિર્ણય મુદ્દે અવઢવની સ્થિતિ સર્જાઇ હતી. જેને લઇને નિર્ણય લેવાયો નથી. અત્રે ઉલ્લેખનીય છેકે ભાજપના બળવાખોરોને ટેકો આપનાર કોંગ્રેસના સભ્ય મહેબુબ વ્હોરાને કારોબારી કમિટીમાં સત્તારૂઢ થવુ હતું. પણ તેઓનો કોંગ્રેસ અને ભાજપમા વિરોધ થતાં મામલો બિચક્યો હતો. સાથેસાથે એજન્ડાના અન્ય કામો પણ નામંજુર કરવામાં આવતા નગરપાલિકા પુનઃ ચર્ચાની એરણમા આવી છે. જેથી એક વાત નિશ્ચિત છે કે સોજીત્રા પાલિકા સુપરસીડ થવાના સ્પષ્ટ એંધાણ વર્તાઇ રહ્યા છે.


