- હું કેનેડાની સંસદમાં દિવાળી પાર્ટીનું આયોજન કરીને ખુશ છું:ચંદ્રશેખર
- કેનેડામાં આ મહિનાને હિંદુ હેરિટેજ મહિનો જાહેર કરવામાં આવ્યો
- આ કાર્યક્રમમાં ભારતીય મૂળના 67 હિન્દુ અને કેનેડિયન સંગઠનોએ મદદ કરી
ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્રશેખર આર્યએ કેનેડાની પાર્લામેન્ટ હિલ પર ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ભગવો ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો હતો જેના પર ઓમ દોરવામાં આવ્યો હતો.
મૂળ ભારતના કર્ણાટકમાં જન્મેલા ચંદ્રશેખરનું કહેવું છે કે ગયા રવિવારે આયોજિત દિવાળી પાર્ટીમાં ભારતીય મૂળના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પાર્ટીમાં ઓટાવા, ટોરોન્ટો અને મોન્ટ્રીયલ જેવા શહેરોમાં રહેતા ભારતીયોએ ભાગ લીધો હતો.
દિવાળી પાર્ટીના આયોજથી ખુશી
તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે હું કેનેડાની સંસદમાં દિવાળી પાર્ટીનું આયોજન કરીને ખુશ છું. આ દરમિયાન અમે ભગવો ધ્વજ પણ ફરકાવ્યો જેના પર ઓમ લખેલું હતું. સૌથી ખુશીની વાત એ છે કે કેનેડામાં આ મહિનાને હિંદુ હેરિટેજ મહિનો જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ લોકો, સ્વયંસેવકો અને કલાકારોનો હૃદયપૂર્વક આભાર.
ચંદ્રશેખર આર્યએ જણાવ્યું હતું કે ઓટાવા, ગ્રેટર ટોરોન્ટો એરિયા, મોન્ટ્રીયલ અને અન્ય ઘણી જગ્યાએથી લોકોએ દિવાળી પાર્ટીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભારતીય મૂળના 67 હિન્દુ અને કેનેડિયન સંગઠનોએ મદદ કરી હતી.
નિજ્જરની હત્યાકાંડના તણાવ વચ્ચે આયોજન
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાના આરોપો બાદ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ વધી ગયો છે. આ તણાવ વચ્ચે કેનેડાની સંસદમાં દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર બે અજાણ્યા હુમલાખોરોએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી હતી. તે જ સમયે, કેનેડાએ એક ભારતીય અધિકારીને હાંકી કાઢ્યા હતા જેના પછી ભારતે બદલો લેતા કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી હતી અને ટિટ-ફોર-ટાટ કાર્યવાહીમાં કેનેડિયન રાજદ્વારીને પણ હાંકી કાઢ્યો હતો.
શા માટે છે બંને દેશો વચ્ચે તણાવ?
19 સપ્ટેમ્બરે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી કેનેડિયન સુરક્ષા એજન્સીઓ કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જર અને ભારત સરકાર વચ્ચે સંભવિત જોડાણના વિશ્વસનીય આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે.


