બુધવારે સાંજે સાંસદ રામભાઇ મોકરિયાના હસ્તે દીવાળી મહોત્સવનું ઉદઘાટન થતા જ શહેરીજનો રિંગરોડ પર રોશની જોવા ઉમટી પડ્યા
ત્રણ કિલમીટર ફરતે આકર્ષક રોશની સાથે મ્યુઝિકલ સ્ટેજ, સેલ્ફી પોઇન્ટ, ફ્લોટ ઉભા કરવામાં આવ્યા, પાંચ દિવસ સુધી ઝળહળાટ

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં દીવાળીના પર્વનો ખરો ઉમંગ અને ઉલ્લાસ રેસકોર્સના રિંગરોડ પર મીની કાર્નિવલના સ્વરૂપે ગઇકાલે સાંજથી શરૂ થઇ ચુક્યો છે. 3 કી.મી.ના આખા રિંગરોડને રોશનીના વાઘા પહેરાવાયા છે. ગઇકાલે સાંજે સાંસદ રામભાઇ મોકરિયાના હસ્તે દિપોત્સવનું ઉદ્ઘાટન થયા બાદ રાત્રે રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં રોશની જોવા માટે ઉમટી પડ્યા હતા. બેસતા વર્ષના બીજા દિવસ સુધી દિવાળી ઉત્સવનો આ જલજલો રિંગરોડ પર રાખવામા આવશે.
રેસકોર્સ એ આમેય રાજકોટવાસીઓનું હાર્ટ છે. એમાયે ચાર વર્ષ પછી રિંગરોડ પર દીવાળીની રોશનીનો જગમગાટ થયો છે.

કોરોના કાળ પહેલા સળંગ બે વર્ષ સુધી દીવાળી કાર્નિવલ ઉજવાયો. જો કે તેના જેવુ આયોજન તો આ વખતે નથી થયુ. બજેટમાં કાર્નિવલ માટે થયેલી નાણાકીય જોગવાઇ કરતા વધુ એસ્ટિમેટ આવતા ખર્ચમાં થોડો કાપ મુકાયો છે અને કાર્નિવલ ન યોજવા શાસકોએ નિર્ણય તો જાહેર કર્યો હતો હતો પરંતુ બજેટમાં કાપ મુકવા છતાં રાજકોટવાસીઓને દીવાળીના ઉમંગને ઝાંપટ ન લાગે એ માટે મિનિ કાર્નિવલ જેવી ઉજવણીનું આયોજન કરવામા આવ્યુ છે. કિસાનપરા ચોકથી રંગીલા રાજકોટના એન્ટ્રી ગેટ સાથે સમગ્ર રિંગરોડને રોશનીથી શણગારવામા આવ્યો છે.

એટલુ જ નહીં અમુક અમુક અંતરે મ્યુઝિક સિસ્ટમ માટેના સ્ટેજ ઉભા કરવામા આવ્યા છે. આ ઉપરાંત થોડા થોડા અંતરે ટેબ્લોઇટ(ફ્લોટ) પણ ઉભા કરવામા આવ્યા છે. શહેરીજનો દિવાળીની આ ઉજવણીને એક યાદગીરી તરીકે ક્લીક કરી શકે એ માટે સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામા આવ્યા છે. પાંચ દિવસ દરમિયાન આતશબાજી, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ સહિતના કાર્યક્રમો રાખવામા આવ્યા છે.
રિંગરોડના 3 કી.મી. ફરતે 1000 રંગોળી વચ્ચે થશે સ્પર્ધા
દિવાળી ઉત્સવના ભાગરૂપે કોરોના કાળમાં બંધ રહ્યા બાદ ગત વર્ષથી ફરી રંગોળી સ્પર્ધા રાખવામા આવે છે. આ વખતે પણ દીવાળીની રાતથી રેસકોર્સ રિંગરોડની એક બાજુ સુંદર રંગોળીના પણ વાઘા સજાવવામા આવશે. આ માટે ચિત્ર નગરીનો સહયોગ મળ્યો છે. રિંગરોડની પાળી બાજુના રોડ પર ૧૦૦૦થી વધુ આર્ટિસ્ટ વચ્ચે રંગોળી સ્પર્ધા યોજવામા આવશે. પ્રથમ વિજેતાઓને અનુક્રમે રૂ.૧૫ હજાર, રૂ.૧૦ હજાર અને રૂ.૫૦૦૦ ઇનામ આપવામા આવશે. આ ઉપરાંત અન્ય બેસ્ટ રંગોળી પસંદ કરીને ૨૦ આર્ટિસ્ટને પ્રોત્સાહનરૂપે રૂ.૧૦૦૦ આપવામા આવશે.
ચિત્રનગરીના કાર્યાલયમાં કરાવો રંગોળી સ્પર્ધા માટેનું રજીસ્ટ્રેશન
રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકોએ રેસકોર્સમાં સ્વીમીંગ પુલની સામે આવેલા ચિત્રનગરીના કાર્યાલયમાં રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરવો. તેના નિયમોમાં (૧)રંગોળીની સાઇઝ ૫ બાય ૫ ફૂટની, (૨)ચિરોળી કલર સ્થળ પરથી જ વિનામુલ્યે અપાશે, (3)સ્પર્ધાનો સમય તા.૨૪મીએ સાંજે ૪ વાગ્યાથી રાત્રે ૧૧ સુધીનો રહેશે, 3:૪૫ વાગ્યે સ્થળ પર હાજર થઇ જવાનું રહેશે, (૪)સ્પર્ધકને નોંધણી નંબર અને આગલા દિવસે કહી દેવામા આવશે, (૫)દરેક સ્પર્ધકને સર્ટફિકેટ અપાશે, રંગોળીદીઠ એક સર્ટિફિકેટ મળશે, (૬)અધુરી રંગોળીને સ્પર્ધામાં ગણવામા આવશે નહીં, (૭)સ્પર્ધાનું પરિણામ દીવાળીના ૧૦ દિવસ બાદ જાહેર થશે.
ધનતેરસની રાત્રે રેસકોર્સ મેદાનમાં કરાશે આતશબાજી
મહાપાલિકા દ્વારા દર વર્ષે દીવાળી નિમિતે યોજાતા આતશબાજીના કાર્યક્રમને બાળકોથી માંડી વડિલ સૌ કોઇ મનભરીને માણે છે. કાર્યક્રમ શરૂ થાય એ પહેલા જ રેસકોર્સ મેદાન અને તેની બહાર રિંગરોડ પર હજારોની સંખ્યામાં જનમેદની એકઠી થઇ જાય છે. આ વખતે પણ ધનતેરસના દિવસે માધવરાય સીંધિયા ક્રિકેટ મેદાનમાં સાંજે ૭ વાગ્યે આતશબાજીનો કાર્યક્રમ શરૂ થઇ જશે. ગગનચુંબી એવા અલગ અલગ ૭૦થી વધુ ફેન્સી વેરાયટીના ફટાકડા મગાવવામા આવ્યા છે.



