- ઈઝરાયેલે હમાસ ચીફ યાહ્યા સિનવારને તેના બંકરમાં એકલો પાડી દીધો
- જંગ બાદ ગાઝાને વેસ્ટ બેન્કની સાથે ભેળવી દેવું જોઇએ : એન્ટની બ્લિંકન
- સીરિયામાં ડેર એજોર પર અમેરિકાના હુમલામાં ઇરાન સમર્થિત ગ્રૂપના 12 લોકો માર્યા ગયાં
હમાસ સામેના જંગ વચ્ચે ઇઝરાયેલે નોર્થ ગાઝામાં હુમલા તેજ કરી દીધા છે. સાત ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ઇઝરાયેલની સેનાએ હમાસના 60 નેતાઓ-કમાન્ડરોને ખતમ કર્યા છે. ઈઝરાયેલે ગાઝામાં હમાસના ચીફ યાહ્યા સિનવારને તેના બંકરમાં એકલો પાડી દીધો છે. જંગના 34મા દિવસે ઇઝરાયેલની સેનાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં તેઓ 130 સુરંગ તબાહ કરી ચૂક્યા છે. ઇઝરાયેલની સેના સતત ગાઝામાં હમાસના ઠેકાણા તથા સુરંગો પર હુમલા કરી રહી છે. દરમિયાન સીરિયામાં ડેર એજોર પર અમેરિકાના હુમલામાં ઇરાન સમર્થિત ગ્રૂપના 12 લોકો માર્યા ગયાં હતાં.
ઈઝરાયેલના જવાબી હુમલામાં 10,569 લોકો માર્યા ગયાં
હમાસ દ્વારા સંચાલિત પેલેસ્ટિનિયન ક્ષેત્રમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઈઝરાયેલના જવાબી હુમલામાં 10,569 લોકો માર્યા ગયાં છે. દરમિયાન હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના જંગમાં સીઝફાયરને લઇને કોઇ સહમતી ઊભી થઇ શકી નથી.
બંધકોને છોડાવવા કતારના પ્રયાસો : આ દરમિયાન કતાર હમાસ દ્વારા પકડવામાં આવેલા લોકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે વાટાઘાટો કરી રહ્યું છે. હાલમાં તે ચાર બંદીવાનો કે જેમાં બે ઇઝરાયેલના તથા બે અમેરિકાના લોકો છે તેમને મુક્ત કરાવવા માટે વાટાઘાટો કરી રહ્યું છે.


