- જગત મંદિરને દિપાવલી પર્વ પૂર્વે રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું
- દ્વારકા આસપાસ 10 કિમીની ત્રિજ્યાથી ઝળહળતું જોવા મળી રહ્યું છે
- બહોળી સંખ્યામાં ભાવિકો તથા સહેલાણીઓ ઉમટશે એવો આશાવાદ
દ્વારકામાં દીપાવલી પર્વ પૂર્વે જગત મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. જેમાં દ્વારકાધીશ જગત મંદિરને દિપાવલી પર્વ પૂર્વે રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું છે. રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ દ્વારા ભગવાન દ્વારકાધીશ જગત મંદિર પર રંગબેરંગી રોશનીથી જળહળી રહે તેવી વ્યવસ્થા કરાઇ છે.
દ્વારકા આસપાસ 10 કિમીની ત્રિજ્યાથી ઝળહળતું જોવા મળી રહ્યું છે
કલાત્મક સુશોભિત જગત મંદિર દ્વારકા આસપાસ 10 કિમીની ત્રિજ્યાથી ઝળહળતું જોવા મળી રહ્યું છે. આગામી દિપાવલી પર્વના તહેવારમાં મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા ઠાકોરજી સંગ નવા વર્ષની ઉજવણી કરશે. દ્વારકાધીશ જગત મંદિર પર દિપાવલી ઉત્સવ દરમિયાન દેશ વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવે તેવી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હોટલોમાં ધન તેરસથી લાભ પાંચમ સુધીના રૂમો બુક
આગામી દિપાવલીના તહેવારને પગલે મીની વેકેશનના માહોલમાં યાત્રાધામ દ્વારકામાં બહોળી સંખ્યામાં ભાવિકો તથા સહેલાણીઓ ઉમટશે એવો આશાવાદ દર્શાવાઇ રહયો છે. હાલ ઘણી હોટલોમાં ધન તેરસથી લાભ પાંચમ સુધીના રૂમો બુક થઈ ગયા છે અને દ્વારકા તેમજ બરડીયામાં આવેલ હોટલ, રીસોર્ટસ તથા ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ પણ હાઉસફુલ જાય તેવી શકયતાઓ જણાઈ રહી છે.


