- સેમીફાઈનલમાં પહોંચવાનો પાકિસ્તાનનો રસ્તો મુશ્કેલ
- પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ ઘણા લોકોના નિશાના પર
- બાબરે પોતાની કેપ્ટનશિપને લઈને મોટી વાત કહી
વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં પહોંચવાનો પાકિસ્તાનનો રસ્તો ઘણો મુશ્કેલ છે. આ કારણથી કેપ્ટન બાબર આઝમ ઘણા લોકોના નિશાના પર છે. ટીમે અત્યાર સુધી રમાયેલી 8 મેચમાંથી 4માં જીત મેળવી છે, જ્યારે 4માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ 11 નવેમ્બર શનિવારના રોજ તેની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. મેચ પહેલા બાબરે પોતાની કેપ્ટનશિપને લઈને મોટી વાત કહી છે. 2019ના વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં જગ્યા બનાવી શકી ન હતી. જો કે, તેના નેતૃત્વમાં બાબરે 2022માં T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિક પહેલા જ કહી ચુક્યા છે કે બાબર પાસેથી કેપ્ટનશીપ પાછી લઈ લેવી જોઈએ, તે કેપ્ટન તરીકે કંઈ અલગ નથી વિચારતો.
ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા મીડિયા સાથે વાત કરતા બાબર આઝમે કહ્યું કે, વર્લ્ડ કપ બાદ પાકિસ્તાન પહોંચ્યા બાદ કેપ્ટનશિપને લઈને PCB સાથે ચર્ચા થશે. અત્યારે મારું ધ્યાન માત્ર બાકીની મેચો પર છે. તેણે કહ્યું કે મારા પર કોઈ દબાણ નથી. હું છેલ્લા 3 વર્ષથી ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છું. ટીવી પર બેસીને વાત કરવી સરળ છે. જે લોકો મને સલાહ આપવા માંગતા હોય તેઓ મારા નંબર પર એટલે કે ફોન દ્વારા મારો સંપર્ક કરી શકે છે.
સારું પ્રદર્શન કરી શક્યા નથી
પોતાની બેટિંગ અંગે બાબર આઝમે કહ્યું કે હું મેચની પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરું છું. ક્યારેક સંજોગો આપણને મુક્તપણે રમવા દેતા નથી. ભારતમાં દરેક સ્થળની અલગ-અલગ પરિસ્થિતિઓ હોય છે. અમે પ્રથમ વખત ભારતની મુલાકાત લઈ રહ્યા છીએ અને સંજોગો વિશે વધુ જાણતા નથી. હું કબૂલ કરું છું કે હું અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નથી.
સેમીફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને પહેલા બેટિંગ કરવી પડશે અને ઈંગ્લેન્ડ સામે 287 રનથી જીત મેળવવી પડશે. તો જ તેનો નેટ રન રેટ ન્યુઝીલેન્ડ કરતા સારો રહેશે. જો બાબર આઝમની ટીમને 50 રનનો ટાર્ગેટ મળે છે તો તેણે આ લક્ષ્ય માત્ર 2 ઓવરમાં હાંસલ કરવું પડશે. 100 રનનો ટાર્ગેટ 3 ઓવરમાં હાંસલ કરવાનો રહેશે.


