- ભારત સતત નવમો વિજય મેળવી રેકોર્ડ સર્જશે
- પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર થાય તેવી નહિવત્ સંભાવના
- કોહલીના પ્રથમ વખત 50 ઓવર્સના વર્લ્ડ કપમાં 500 પ્લસ રન
ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે વર્લ્ડ કપની અંતિમ લીગ મેચ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રવિવારે રમાશે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહેલી રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ નેધરલેન્ડ્સ સામેની અંતિમ લીગ મેચમાં પોતાના વિજયી અભિયાનને જારી રાખીને દેશવાસીઓને દિવાળીની ગિફ્ટ આપવા માગશે. સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી પાસે વન-ડે ક્રિકેટમાં 50મી સદી ફટકારવાની શાનદાર તક રહેશે. બેંગ્લોર કોહલીનું આઇપીએલ હોમગ્રાઉન્ડ પણ છે. ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી ચૂકી હોવાના કારણે પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર થાય તેવી નહિવત્ સંભાવના છે. આ મુકાબલો બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે.
કોહલીએ સાઉથ આફ્રિકા સામે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે સચિન તેંડુલકરની 49 વન-ડે સદીના રેકોર્ડને સરભર કર્યો હતો. લોકોની અપેક્ષાઓ તથા ટીકાઓને બાજુએ રાખીને કોહલી પોતાની રમત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસનું જારી રાખશે. કોહલી વર્તમાન વર્લ્ડ કપમાં સર્વાધિક 543 રન બનાવી ચૂક્યો છે. તેણે પ્રથમ વખત 50 ઓવર્સના વર્લ્ડ કપમાં 500 પ્લસ રન બનાવ્યા છે. હાર્દિક પંડયા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો છે પરંતુ સૂર્યકુમાર તેને પ્લેઇંગ
ઇલેવનમાં મળેલી તકનો લાભ ઉઠાવી શક્યો નથી. નેધરલેન્ડ્સ સામે તે મોટી ઇનિંગ રમવાનો પ્રયાસ કરશે. રોહિત શર્મા અને શુભમન ગિલ પણ મોટી ભાગીદારી નોંધાવી શક્યા નથી. બાંગ્લાદેશ સામે તેમણે 88, ન્યૂઝીલેન્ડ સામે 71 તથા સાઉથ આફ્રિકા સામે 62 રનની ભાગીદારી નોંધાવી હતી પરંતુ બાકીની પાંચ મેચમાં અનુક્રમે પાંચ, 32, 23, 26 તથા ચાર રનની પાર્ટનરશિપ કરી હતી.
ભારતીય બોલર્સે પૂરી ટૂર્નામેન્ટમાં પ્રભાળશાળી દેખાવ કર્યો છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી તથા મોહમ્મદ સિરાજ હરીફ બેટ્સમેનોને દબાણ હેઠળ રાખ્યા છે. સિરાજ હજુ પણ વધારે સારો દેખાવ કરી શકે છે. નેધરલેન્ડ્સ પાસે લોગાન વાન બીક, બાસ ડી લિડે તથા પોલ વાન મિકેરેન જેવા કેટલાક સારા બોલર્સ છે પરંતુ ચિન્નાસ્વામીની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગસમી પિચ ઉપર બોલર્સે સંઘર્ષ કરવો પડી શકે છે. નેધરલેન્ડ્સ પાસે તેજા નિદામાનુરુ, મેક્સ ઓડોડ તથા વેસ્લે બારેસી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને ભારતીય બોલર્સ આ બાબતનો ફાયદો ઉઠાવી શકે છે.


