શ્રાવણ માસના પ્રારંભે રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો દ્વારા શિવભક્તોને શુભકામનાઓ
શહેરીજનો ભોળાનાથની ભક્તિમાં લીન થઈ દિવ્યતા પ્રાપ્ત કરે: શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે અને મહામંત્રીઓની શુભેચ્છાઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
દેવાધિદેવ મહાદેવની પરમ ભક્તિ અને આરાધનાના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રીઓ વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા તથા યોગેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર રાજકોટવાસીઓને અંતઃકરણપૂર્વક આત્મીય શુભકામનાઓ પાઠવી છે.
નેતાઓએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, શ્રાવણ માસ એ ‘સત્યમ શિવમ સુંદરમ’નો પાવન ત્રિવેણી સંગમ છે, જે જીવ અને શિવ વચ્ચેના પરમતત્વને ઉજાગર કરે છે. દેવપોઢી એકાદશીથી શરૂ થતા ચાતુર્માસનો આ પ્રથમ માસ છે. શ્રાવણના પ્રારંભ સાથે જ રક્ષાબંધન, નાગપંચમી અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી જેવા લોકપ્રિય તહેવારોની હારમાળા શરૂ થઈ જાય છે, જે સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દે છે.
ડો. માધવ દવેએ ઉમેર્યું હતું કે, સૃષ્ટિના આદ્યદેવ ભગવાન શિવની આરાધના માટે શ્રાવણ માસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન સોમવાર, પ્રદોષ વ્રત અને શિવરાત્રીનો વિશેષ સંયોગ બનતો હોવાથી શિવભક્તિ કરનાર ભક્તોને અક્ષય ફળની પ્રાપ્તિ થશે.
શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવાલયોમાં પૂજન, અર્ચન, જલાભિષેક અને બિલિપત્ર અર્પણ કરવા માટે શિવભક્તોનો ઘોડાપૂર ઉમટી પડશે. શહેર ભાજપના હોદ્દેદારોએ તમામ નાગરિકો ભોળાનાથની ભક્તિમાં લીન થઈ દિવ્યતા અને અસીમ કૃપા પ્રાપ્ત કરે તેવી મનોકામના વ્યક્ત કરી હતી.


