- પાકિસ્તાની ટીમ વર્લ્ડકપમાંથી થઈ બહાર
- ટીમના ખરાબ પ્રદર્શનને લઈ PCBમાં ઉથલપાથલ
- બોલિંગ કોચ મોર્ને મોર્કલેએ આપ્યું રાજીનામું
વનડે વર્લ્ડકપ 2023 પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ખૂબ જ ખરાબ રહ્યો છે. ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન બાદ ટીમમાં ખળભળાટ મચી ગયો છે. હવે ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કલે રાજીનામું આપ્યું છે. 9 લીગ મેચોમાંથી માત્ર 4 જ જીતનારી પાકિસ્તાની ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ નથી. ટીમના આ ખરાબ પ્રદર્શનની અસર બોર્ડ પર પણ જોવા મળી છે.
તાજેતરમાં ચીફ સિલેક્ટરે પણ આપ્યું હતું રાજીનામું
તાજેતરમાં જ PCBના ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે રાજીનામું આપ્યું હતું. હવે ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જતાં બોલિંગ કોચે પણ રાજીનામું આપી દીધું છે. મોર્કેલ સાઉથ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર છે. ભારતની મેજબાનીમાં રમાઈ રહેલી વર્લ્ડકપમાં પાકિસ્તાન તરફથી ખુબ જ નબળી બોલિંગ જોવા મળી હતી. ટીમના મુખ્ય ફાસ્ટ બોલરોમાંથી એક હારિસ રઉફે વર્લ્ડકપની એક જ સિઝનમાં સૌથી વધુ રન આપવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આપી માહિતી
બોલિંગ કોચ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે, PCB ટૂંક સમયમાં તેના સ્થાનની જાહેરાત કરશે. પાકિસ્તાન ટીમે 14 ડિસેમ્બર 2023થી ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે, જે 7 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થશે.
ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની સ્થિતિ ખરાબ હતી
પાકિસ્તાને ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી હતી. બાબરની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે પ્રથમ મેચમાં નેધરલેન્ડને 81 રને અને બીજી મેચમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું હતું. જો કે, આ પછી ટીમને સતત ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારત સામે 7 વિકેટે હાર થઈ હતી
પાકિસ્તાની ટીમની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે 7 વિકેટે, ઓસ્ટ્રેલિયા સામે 62 રનથી, અફઘાનિસ્તાન સામે 8 વિકેટે અને સાઉથ આફ્રિકા સામે 1 વિકેટે હાર થઈ હતી. જો કે, આ પછી ટીમે આગામી 2 મેચમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડને માત આપી હતી, પરંતુ પછી છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.


