- ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ
- આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે
- ભારતના દિગ્ગજ ખેલાડીઓ સેમિફાઈનલમાં ફ્લોપ
આ વર્લ્ડકપમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ લીગ સ્ટેજની તમામ મેચ જીતીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા એકમાત્ર એવી ટીમ રહી છે જે એક પણ મેચ હારી નથી અને તમામ મેચ જીતીને 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. હવે સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે રમાશે. ગત વર્લ્ડકપમાં પણ ભારતે શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં જ ટીમ ઈન્ડિયાની ટોપ ઓર્ડરની બેટિંગ પડી ભાંગી હતી, જેના પછી ટીમ આખરે તે મેચ 18 રનથી હારી ગઈ હતી. વર્લ્ડકપ 2015ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાની આવી જ સ્થિતિ બની હતી. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ફેન્સના મનમાં એક જ ડર છે કે આ વખતે પણ કંઈક આવું જ બની શકે છે.
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ સેમિફાઈનલમાં ફ્લોપ
ટીમ ઈન્ડિયાની વર્તમાન ટીમમાં માત્ર ચાર જ બેટ્સમેન છે, જેઓ ODI વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ રમી ચૂક્યા છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાના નામ સામેલ છે. આ ચાર બેટ્સમેનોમાં રવિન્દ્ર જાડેજા એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં ફિફ્ટી ફટકારી છે. જાડેજાએ ગત વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં ફટાકારીને ધોની સાથે મળીને ટીમ ઈન્ડિયાને જીતની નજીક લઇ ગયો હતો. પરંતુ તે પછી તે પણ આઉટ થઈ ગયો હતો અને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ મેચ હારી ગઈ હતી.
સેમિફાઈનલમાં ટોપ ઓર્ડર બેટ્સમેનનું પ્રદર્શન
- રોહિત શર્મા – 2 મેચ, સરેરાશ 17.50, 35 રન
- વિરાટ કોહલી – 3 મેચ, સરેરાશ 3.66, 11 રન
- કેએલ રાહુલ – 1 મેચ, 1 ની સરેરાશ, 1 રન
- રવિન્દ્ર જાડેજા – 2 મેચ, સરેરાશ 46.50, 93 રન
આ વર્લ્ડકપમાં ભારતના ટોપ ઓર્ડર શાનદાર ફોર્મમાં
આ આંકડાઓને જોઈને તમે સમજી જ ગયા હશો કે ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરના ત્રણ મુખ્ય બેટ્સમેન કુલ 6 સેમીફાઈનલ ઈનિંગ્સમાં 50 રન પણ બનાવી શક્યા નથી. જોકે આ વર્લ્ડ કપમાં આ ત્રણેયનું ફોર્મ શાનદાર છે, ત્રણેયએ સદી ફટકારી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ મોટી મેચમાં કેવું પ્રદર્શન કરે છે તે જોવું રહ્યું.


