- વર્લ્ડકપની તમામ લીગ મેચ થઈ પૂર્ણ
- આવતીકાલે રમાશે પ્રથમ સેમીફાઈનલ
- ભારત-ન્યૂઝીલેન્ડ મેચને લઈ દિનેશ કાર્તિકની ભવિષ્યવાણી
ભારત અને ન્યૂઝીસેન્ડ વચ્ચે આવતીકાલે સેમીફાઈનલ મેચ રમવામાં આવશે. ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમીફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમશે. ભારતને વર્લ્ડકપ 2019ની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે ભારત પાસે સ્કોર સેટલ કરવાની તક છે. આ તમામ વચ્ચે ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે ટીમ ઈન્ડિયા વિશે પ્રતિક્રિયા આપી છે. કાર્તિકનું માનવું છે કે, આવતીકાલની મેચમાં રોહિત શર્માનો રોલ ઘણો મહત્વનો રહેશે.
રોહિત શર્મા હોમ ગ્રાઉન્ડ પર મેચ રમશે
રોહિત હોમ ગ્રાઉન્ડ પર મેચ રમશે, ત્યારે કાર્તિકે કહ્યું કે, રોહિત શર્મા ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. તે ન્યૂઝીલેન્ડ માટે સૌથી મોટો ખતરો હશે. જો રોહિતનું બેટ કામ કરશે તો સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીત લગભગ નિશ્ચિત છે. ટૂર્નામેન્ટ અત્યાર સુધી સારી ચાલી છે, પરંતુ હવે નોકઆઉટ મેચ રમાશે. આ એક અલગ પ્રકારનું દબાણ હશે. આપણે બધાએ જોયું છે કે, ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે.
રોહિત શર્માએ વર્લ્ડકપમાં બનાવ્યા 503 રન
રોહિતે આ વખતે ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી રમાયેલી 9 મેચમાં 503 રન બનાવ્યા છે. રોહિતે એક સદી પણ ફટકારી છે. જેથી ન્યૂઝીલેન્ડ સામે રોહિતનું પ્રદર્શન ઘણું મહત્વનું રહેશે. રોહિતની સાથે વિરાટ કોહલીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. કોહલીએ 9 મેચમાં 594 રન બનાવ્યા છે. તેણે 2 સદી ફટકારી છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં 95 રન બનાવ્યા હતા.


