- મધ્યપ્રદેશથી મજૂરી કામે આવ્યો હતો પરિવાર
- ગઈકાલે રાત્રે તાવ આવ્યા બાદ અચાનક જ મોત
- ડોકટર દ્વારા પી.એમ.ની તજવીજ હાથ ધરાઇ
દ્વારકામાં રોગચાળો વકર્યો છે. જેમાં તાવના કારણે પરપ્રાંતિય 15 વર્ષીય કિશોરનું મોત થયુ છે. પરિવાર મધ્યપ્રદેશથી મજૂરી કામે આવ્યો હતો. જેમાં ગઈકાલે રાત્રે તાવ આવ્યા બાદ અચાનક જ કિશોરનું મોત થયુ છે.
15 વર્ષના કિશોરનું તાવ આવતા મોત
દ્વારકા ખાતે મજૂરી કામ કરતા મધ્ય પ્રદેશના પરિવારના 15 વર્ષીય બાળકને ગઈકાલે રાત્રે તાવ આવ્યા બાદ સવારે અચાનક જ મોત થયુ છે. પરિવાર દ્વારા બાળકને બેભાન અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે ડોકટર દ્વારા બાળકને મૃત ઘોષિત કરી પી.એમ.ની તજવીજ હાથ ધરાઇ છે. બાળકના અચાનક જ મોતથી મજૂર પરિવારમાં શોકનું મોજુ છવાયુ છે.
વડોદરામાં પણ વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો
વડોદરામાં પણ વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. જેમાં માંજલપુરમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી 5 વર્ષના બાળકનું મોત થયુ છે. તેમાં બાળકને ડેન્ગ્યુની સાથે છાતીમાં ઇન્ફેક્શન હતું. છેલ્લા 5 દિવસમાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુથી મોતનો એક પણ કેસ આરોગ્ય વિભાગના ચોપડે નથી. શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના બાળકને ડેન્ગ્યૂ થતા પાંચ દિવસ પહેલા સારવાર માટે કલાલી વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પી.એમ. કરાવવામાં આવ્યું
ગઇકાલે રાતે તેનું મોત નિપજ્યું છે. જોકે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પી.એમ. કરાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને લેથ મશીનનું જોબ વર્કનું કામ મકરપુરા જી.આઇ.ડી.સી.માં કરે છે. તેમને જોડિયા દીકરો અને દીકરી છે. જેની ઉંમર હાલ પાંચ વર્ષની છે. તેમના દીકરાને તાવ આવતા સારવાર માટે કલાલી વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


