- તુર્કીના રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને ભડકાવતું નિવેદન આપ્યું
- પીએમ નેતન્યાહૂએ તુર્કી પ્રમુખના નિવેદનને ફગાવી દીધું
- ઈઝરાયેલ અને તુર્કી હાલમાં ગાઝાને લઈ આમનેસામને છે
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને ફરી એક વખત ગાઝામાં ભડકેલા યુદ્ધને લઈને ઈઝરાયેલ પર નિશાન સાધ્યું છે, તેમણે કહ્યું કે તુર્કી દેશ હવેથી ઈઝરાયેલે પચાવી પાડેલા પેલેસ્ટિનિયન પ્રદેશોમાં રહેતા ઇઝરાયેલના નાગરિકોને આતંકવાદી માને છે અને તે આ દેશના રહેવાસીઓને આતંકવાદી તરીકે જ જાહેર કરશે. મહત્વનું છે કે આ મામલે તુર્કી પ્રમુખે પહેલા પણ અનેક વિવાદિત નિવેદનો આપ્યા છે જેમાં તેમણે ઈઝરાયેલ અને તેના વડાપ્રધાન નેતન્યાહૂની જોરદાર ટીકા કરી હતી.
નોંધનીય છે કે હાલના દિવસોમાં ગાઝામાં હમાસ અને ઈઝરાયેલની વચ્ચે જોરદાર યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલની સેના ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ કરી ચૂકી છે. ગાઝા શહેરના 2 ભાગ પાડી દેવામાં આવ્યા છે, જેમાંથી ઈઝરાયેલની સેનાએ જાહેર કરેલી માહિતી મુજબ હવે ઉત્તરી ગાઝામાંથી હમાસનું નિયંત્રણ સમાપ્ત થઈ ચૂક્યું છે અને હમાસની સંસદ સહિત ઉત્તરી ગાઝા પર હવે ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સ એટલે કે ઈઝરાયેલની સેનાનો કંટ્રોલ છે અને હાલમાં ઈઝરાયેલની સેનાએ અલ શિફા હોસ્પિટલમાં કાર્યવાહી કરી હતી.
11 હજારથી વધુના મોત
અત્યાર સુધીના આંકડા અનુસાર આ યુદ્ધમાં 11 હજારથી વધુ પેલેસ્ટાઈન લોકોના મોતના સમાચાર છે. આ વાતને લઈને અનેક મુસ્લિમ દેશોએ ઈઝરાયેલની જોરદાર ટીકા કરી છે, તેમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પણ ફરી એકવાર ઈઝરાયેલ પર નિશાન સાધ્યું છે. જર્મનીની મુલાકાત પહેલાં તેમણે ઈઝરાયેલને ખુલ્લી રીતે ‘આતંકવાદી દેશ’ ગણાવ્યો હતો. બુધવારે (15 નવેમ્બર) ગાઝાની અલ-શિફા હોસ્પિટલમાં ઇઝરાયેલી સેનાના પ્રવેશ અંગે એર્દોગને કહ્યું કે આ વિશ્વના માનવ ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ક્રૂર હુમલો છે. આ સાથે તેણે કહ્યું કે ઈઝરાયેલ આ બધું પશ્ચિમી દેશોની મદદથી કરી રહ્યું છે અને તે એક આતંકવાદી દેશ છે.
હમાસ એ રાજકીય પક્ષ : તુર્કીના રાષ્ટ્રપ્રમુખ
રેસેપ તૈયપ એર્દોગને ફરી એકવાર પોતાના જૂના નિવેદનનું પુનરોચ્ચાર કરતા કહ્યું કે, “હમાસ એ કોઈ આતંકવાદી સંગઠન નથી, પરંતુ એક રાજકીય પક્ષ છે, જેણે 2006માં ગાઝામાં ચૂંટણી જીતી હતી.” તુર્કીની સંસદમાં બોલતા એર્દોગને કહ્યું, “હું સ્પષ્ટપણે કહું છું કે ઈઝરાયેલ એક આતંકવાદી દેશ છે અને જ્યારે આપણે ગાઝા પર હુમલા માટે ઈઝરાયેલને દોષી ઠેરવી રહ્યા છીએ અને તેની નિંદા કરી રહ્યા છીએ, ત્યારે આપણે એ ન ભૂલવું જોઈએ કે તેને કોનું સમર્થન મળી રહ્યું છે?” આમ કહીને તેમણે આડકતરી રીતે અમેરિકા અને તેના સાથી યુરોપના દેશો પર નિશાન સાધ્યું હતું.
એર્દોગાને કહ્યું કે ગાઝાના લોકો નરસંહારનો સામનો કરી રહ્યા છે. તુર્કીના રાષ્ટ્રપતિએ ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તેમણે જણાવવું જોઈએ કે ઈઝરાયેલ પાસે પરમાણુ હથિયાર છે કે નહીં, મને લાગે છે કે નેતન્યાહૂને જલ્દીથી જ તેમના પદ પરથી હટાવવામાં આવશે.
‘ઈઝરાયલીઓને આતંકવાદી ગણશે’
સંસદમાં બોલતા એર્દોગને કહ્યું કે તુર્કી કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશોમાં રહેતા ઇઝરાયેલના નાગરિકોને આતંકવાદી માને છે અને તે રહેવાસીઓને આતંકવાદી તરીકે ઓળખવાનો પ્રયાસ કરશે.
નેતન્યાહુનો વળતો પ્રહાર
ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ તુર્કીના રાષ્ટ્રપતિના નિવેદન પર બહુ જ કડક પ્રતિક્રિયા આપી છે. એક કાર્યક્રમમાં બોલતા નેતન્યાહુએ કહ્યું કે, અમને કોઈ તુર્કીના નેતા પાસેથી કોઈ નૈતિક શિખામણની જરૂર નથી. તેમને તેમની મર્યાદામાં રહેવું જોઈએ. આ ઉપરાંત ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે તુર્કીના પ્રમુખ એર્દોગન એ ‘આતંકવાદી’ સંગઠન હમાસનું સમર્થન કરે છે અને તેમના પાસેથી અમને કોઈ નૈતિક શિક્ષાની આવશ્યક્તા નથી લાગતી.


