- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે ત્રણેય ફોર્મેટની સીરિઝ
- સાઉથ આફ્રિકામાં રમાશે બંને વચ્ચે મેચ
- અત્યારે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી રહી છે મેચ
વનડે વર્લ્ડકપ બાદ વિશ્વભરની તમામ ક્રિકેટ ટીમોની સાથે ભારતીય ક્રિકેટ ટીમે પણ તેની નવી સફર શરૂ કરી છે. આ નવી સફરમાં ટીમ ઈન્ડિયાનો પહેલો મુકામ ઓસ્ટ્રેલિયા સામેની ડોમેસ્ટિક T20 સીરિઝ છે. જેમાં સૂર્યકુમાર યાદવને નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ પછી ટીમ ઈન્ડિયા બીજા તબક્કાને પાર કરવા માટે સાઉથ આફ્રિકા જશે, જ્યાં T20, વનડે અને ટેસ્ટ ત્રણેય સીરિઝ રમાશે.
ભારતની T20 ટીમનું શું થશે?
સાઉથ આફ્રિકા પ્રવાસની શરૂઆત T-20 સીરિઝથી થશે. જેથી પહેલી ચિંતા આ સીરિઝને લઈને છે અને સૌથી મોટી ચિંતા એ છે કે T-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ છે? T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની હાલત જોઈને લાગે છે કે દરેક સીરિઝમાં નવો કેપ્ટન જોવા મળી શકે છે. રોહિત શર્માને ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપ આપ્યા બાદ BCCIએ T20માં ઘણા કેપ્ટનનો ઉપયોગ કર્યો છે અને હાર્દિક પંડ્યાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.
નવા પ્રોમોમાંથી હાર્દિક થયો છે ગાયબ
સાઉથ આફ્રિકા સીરિઝ માટે બ્રોડકાસ્ટર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોમો વીડિયોમાં હાર્દિક પંડ્યા પણ જોવા મળ્યો હતો. જે સાઉથ આફ્રિકા જઈને T20 સીરિઝ રમવા અને જીતવાની વાત કરી રહ્યો હતો. જો કે, હવે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત છે, અહેવાલ મુજબ તે સાઉથ આફ્રિકા સીરિઝ સુધી પણ સ્વસ્થ થઈ શકશે નહીં. આ કારણે ઓસ્ટ્રેલિયા સીરિઝમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને હવે સાઉથ આફ્રિકા સીરિઝ માટે એક નવો પ્રોમો વીડિયો આવ્યો છે. જેમાં કેએલ રાહુલ જોવા મળી રહ્યો છે.
નવા પ્રોમોમાં હાર્દિકની જગ્યાએ કેએલ રાહુલ જોવા મળ્યો
આ નવા વિડિયોમાં હાર્દિક પંડ્યાને બદલે કેએલ રાહુલ સાઉથ આફ્રિકા જઈને T-20 સીરિઝ રમવાની અને જીતવાની વાત કરી રહ્યો છે. કેએલ રાહુલનો પ્રોમો જોઈને એક વાત કન્ફર્મ થઈ ગઈ છે કે ઓછામાં ઓછા કેએલ રાહુલ સાઉથ આફ્રિકામાં યોજાનારી T20 સીરિઝની ટીમનો ભાગ હશે અને કદાચ મેચ પણ રમશે. જો કે, પ્રોમોમાં તેનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ કહેવા લાગ્યા છે કે કેએલ રાહુલ કેપ્ટન તરીકે વાપસી કરી રહ્યો છે. કેટલાક લોકો તેને કેપ્ટનશિપ માટે શ્રેષ્ઠ વિકલ્પ ગણાવી રહ્યા છે.
વિરાટ કોહલીએ લીધી બ્રેક
જો કે, બુધવારના રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, BCCIએ રોહિત શર્માને T20 વર્લ્ડકપ સુધી કેપ્ટનશિપ રાખવાનો અનુરોધ કર્યો છે. અન્ય એક અહેવાલ અનુસાર, વિરાટ કોહલીએ BCCIને વનડે અને T20 ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લેવા અંગે પણ જાણ કરી છે. આવી સ્થિતિમાં હવે એ જોવાનું રહેશે કે આગામી સમયમાં ટીમ ઈન્ડિયાના સફેદ બોલ ક્રિકેટમાં શું ફેરફાર થશે.


