- ભારે વરસાદને પગલે નદી, ડેમ છલકાઇ ગયા
- શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઇ
- બંગાળની ખાડીમાં પ્રેશર સર્જાતા તમિલનાડુમાં ભારે વરસાદ
તમિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. સત્તાવાળાઓએ તિરુવલ્લુર જિલ્લામાં કોસસ્થલૈયર નદીના કિનારે રહેતા લોકો માટે રવિવારે પ્રાથમિક પૂરની ચેતવણી જારી કરી છે. અહીં નજીકનું પૂંડી જળાશય લગભગ તેની મહત્તમ ક્ષમતા સુધી પહોંચી ગયું છે.રસ્તાઓ પાણીમાં ગરકાવ, ઘરોમાં પાણી ભરાયા. ભારે વરસાદને પગલે નદી, ડેમ છલકાઇ ગયા. શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઇ.
3 ડિસેમ્બર સુધી તમિલનાડુમાં વરસાદી કહેર યથાવત રહેશે
મોસમી વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધતો હોવાથી જળાશયના સંગ્રહમાં ઝડપથી વધારો થાય છે. સંગ્રહ 34 ફૂટ સુધી પહોંચે તેવી ધારણા હોવાથી ડેમની સલામતીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલારૂપે વધારાનું પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જો ઇનફ્લો સતત વધતો રહેશે, તો વધારાનું વધારાનું પાણી (સૂચિત 1,000 ક્યુસેક કરતાં વધુ) તબક્કાવાર રીતે છોડવામાં આવશે.
ભારે વરસાદને પગલે 12થી વધુ જિલ્લામાં જળતાંડવ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેન્નઈ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ, કુડ્ડલોર, માયલાદુથુરાઈ, નાગપટ્ટનમ, તિરુવરુર, તંજાવુર, પુડુકોટ્ટાઈ, રામનાથપુરમ અને થૂથુકુડી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. પ્રાદેશિક હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં ખાસ કરીને 2 થી 4 ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ભારે વરસાદને કારણે સમગ્ર ચેન્નાઈ શહેરમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. આટલું જ નહીં વરસાદને કારણે અંબત્તુર અને અવડી રેલવે સ્ટેશનો વચ્ચે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકલ ટ્રેનો 20થી 30 મિનિટ મોડી ચાલી રહી છે.
રસ્તાઓ પાણીમાં ગરકાવ, ઘરોમાં પાણી ભરાયા
હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર પર લો-પ્રેશરનો વિસ્તાર બની રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં ચક્રવાતી તોફાનની શક્યતા છે. ચેન્નાઈ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદને જોતા, મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને તમામ અધિકારીઓ, પ્રધાનો, ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓને અસરગ્રસ્ત લોકોને તમામ જરૂરી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.


