- ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા કેન્યાના રાષ્ટ્રપતિ રૂતો
- પીએમ મોદીએ દ્વિપક્ષીય બેઠકમાં ઉઠાવ્યો લાપતા ભારતીયોનો મુદ્દો
- રાષ્ટ્રપતિ ચૂંટણી વખતે રૂતોની ડિજિટલ ટીમનો હિસ્સો હતા બંને યુવાન
કેન્યામાં બે ભારતીયોના લાપતા થવાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. કેન્યાના રાષ્ટ્રપતિ ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન ભારતે કેન્યામાં બે ભારતીયોના ગાયબ થવાનો મુદ્દો કેન્યાના રાષ્ટ્રપતિ સમક્ષ ઉઠાવ્યો છે. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સમોઇ રૂતો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની દ્વિપક્ષીય બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના સચિવ દમ્મુ રવિએ જણાવ્યું હતું કે આ મુદ્દા પર ઉચ્ચ સ્તરે ચર્ચા થઈ હતી.
તેમણે કહ્યું કે કેન્યામાં ગુમ થયેલા ભારતીયોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તમે જાણો છો તેમ, અમે આ મુદ્દાને લાંબા સમયથી સતત ઉઠાવી રહ્યા છીએ. આ મામલે બંને પક્ષો એકબીજાના સંપર્કમાં છે. આ મામલાની તપાસ ચાલી રહી હોવાથી વધુ કંઈ કહી શકાય તેમ નથી. આ મામલો કેન્યાની કોર્ટમાં છે અને થોડા દિવસોમાં કઈક માહિતી બહાર આવી શકે છે. કેન્યામાં ભારતના હાઈ કમિશનર સી. ખેમ્પાએ કહ્યું કે ભારતીય હાઈ કમિશન આ બાબત પર નજર રાખી રહ્યું છે.
શું છે મામલો?
જણાવી દઈએ કે ઓક્ટોબરમાં મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો થયો હતો કે ઝુલ્ફીકાર અહેમદ ખાન અને મોહમ્મદ ઝૈદ સામી કિદવઈ નામના બે શખ્સો ગુમ થવાના સમાચાર સામે આવ્યા હતા. આ બંને ભારતીય ચૂંટણી દરમિયાન કેન્યાના રાષ્ટ્રપતિ રૂતોની ડિજિટલ અભિયાન ટીમનો ભાગ હતા. આરોપ છે કે પ્રતિબંધિત જૂથ દ્વારા આ બંને ભારતીયોની હત્યા કરી દેવામાં આવી છે.
રિપોર્ટમાં કેન્યાના રાષ્ટ્રપતિના નજીકના સહયોગીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ ભારતીયોની હત્યા કરવામાં આવી છે પરંતુ કેન્યાની સરકારે હજુ સુધી આ રિપોર્ટ પર કંઈ કહ્યું નથી.
બંને ભારતીયોના મોતના અહેવાલોને જોતા ઝુલ્ફીકારના મિત્રોએ દાવો કર્યો છે કે તે હજુ પણ જીવિત છે. ઝુલ્ફીકારના મિત્રોનું કહેવું છે કે બે ભારતીયોની હત્યાના સમાચારની પુષ્ટિ થઈ નથી અને મામલે હજુ તપાસ ચાલી રહી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે રાષ્ટ્રપતિ સમક્ષ આ મામલે ઊંડી તપાસ કરવાની વિનંતી કરી રહ્યા છીએ. જણાવી દઈએ કે કેન્યાના રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવામાં તેમની ડિજિટલ કેમ્પેઇન ટીમની મહત્વની ભૂમિકા હતી અને ઝુલ્ફીકાર અને મોહમ્મદ ઝૈદ આ ટીમનો જ હિસ્સો હતા.


