- ભારે પવનને કારણે સ્થિતિ વધુ ગંભીર, ચેન્નાઈમાં 8 લોકોના મોત
- અનકાપલ્લીમાં 60 હજારથી વધુ લોકોના રહેવાની વ્યવસ્થા
- આંધ્ર પ્રદેશસરકારે રાહત માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા
મિચોંગ વાવાઝોડું આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લેન્ડફોલ એટલે કે દરિયાકાંઠે અથડાવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચક્રવાતી તોફાન નબળું પડ્યું છે. જો કે તમિલનાડુમાં જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. તમિલનાડુમાં મિચોંગ વાવાઝોડાને કારણે 8 લોકોના મોત થયા છે. અમુક અહેવાલોમાં 12 લોકોના મોતનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાતી તોફાન મિચોંગનું લેન્ડફોલ પૂર્ણ થઈ ગયું છે અને છેલ્લા 6 કલાકમાં વાવાઝોડું ઉત્તર આંધ્ર પ્રદેશ તરફ આગળ વધ્યું છે.
ભારે પવનને કારણે સ્થિતિ વધુ ગંભીર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે બપોરે લગભગ 3.30 વાગ્યે, વાવાઝોડા આંધ્ર પ્રદેશના બાપતલાથી 20 કિમી દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ (WSW) અને ઓંગોલના 45 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વ (NNE) માં રહ્યું હતું. અમરાવતી હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ગંભીર ચક્રવાતી તોફાન મિચોંગ મંગળવારે બપોરે 12.30 થી 2.30 વાગ્યાની વચ્ચે બાપટલા જિલ્લામાંથી 90 થી 100 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે આગળ વધ્યું હતું. રાહતની વાત એ છે કે ચક્રવાતી તોફાન આગામી બે કલાકમાં વધુ નબળું પડે તેવી શક્યતા છે.
ચેન્નાઈમાં 8 લોકોના મોત
વાવાઝોડું મિચોંગ આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કરે તે પહેલા, ચેન્નઈ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મિચોંગ વાવાઝોડાને કારણે 8 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, વાવાઝોડાથી પ્રભાવિત આંધ્રપ્રદેશના જિલ્લાઓમાં ઘણી જગ્યાઓ પર, મિચોંગને કારણે પૂર, ક્ષતિગ્રસ્ત રસ્તાઓ, નદીઓ અને નહેરોમાં ભરતી આવવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે. આંધ્રપ્રદેશમાં હજારો એકરનો પાક જળમગ્ન થઈ જવાન અહેવાલો પણ છે. સરકાર અસરગ્રસ્ત ખેડૂતોના નુકસાનનું મૂલ્યાંકન કરશે.
રાહત અને બચાવ કામગીરી માટે આંધ્ર પ્રદેશ સરકારનું એક્શન
સીએમ રેડ્ડીએ વાવાઝોડાથી પ્રભાવિત આંધ્રપ્રદેશના જિલ્લાઓમાં લોકોને રાહત આપવા અધિકારીઓને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા તેમજ જાનહાનિ અથવા પશુઓના નુકસાન માટે તાત્કાલિક વળતરનું વિતરણ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે તાત્કાલિક રાહત પ્રયાસો માટે 22 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્ય સરકારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં હેલ્પલાઈન પણ શરૂ કરી છે.
- બાપટલા – 8712655881
- ગુંટુર – 08632234014
- કૃષ્ણા જિલ્લો – 0867225272
- નટીઆર – 086625758333
- તિરુપતિ – 08772236007
અનકાપલ્લીમાં 60 હજારથી વધુ લોકોના રહેવાની વ્યવસ્થા
વિભાગીય હેલ્પલાઇન તરીકે આંધ્રપ્રદેશ પોલીસ (100, 112) અને ફિશરીઝ વિભાગ માટે 9390125477 નંબર જાહેર કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, અનકાપલ્લી જિલ્લામાં, 52 પુનર્વસન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. અહી 60,000 થી વધુ લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


