- રાજકોટ સિવિલમાં હંગામો
- દર્દીઓને દવાના મળતાં લોકોમાં રોષ
- સિવિલ તંત્રને તાત્કાલિક દવાઓની ગોઠવણ કરવાની માગ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સેવાઓ ખોરવાઈ રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. દર્દીઓ દ્વારા આ મામલે હોબાળો મચાવવામાં આવ્યો હતો. હાલમાં સિવિલમાં 592 જેટલા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે અત્યંત જરૂરી એવી અનેક દવાઓનો જથ્થો ખલાસ થઈ જતાં દર્દીઓએ હાલાકી ભોગવવી પડી હતી.
હકીકતમાં રાજકોટ સિવિલમાં થેલેસેમિયાના દર્દીઓ માટે અનેક જરૂરી દવાનો જથ્થો સમાપ્ત થઇ ગયો છે. જેના કારણે આવા દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલો કે મેડિકલ સ્ટોર બાજુ દોડવું પડે છે. આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા વ્યવસ્થા કરાયેલ નથી. આ મામલે પેશન્ટ્સન કુટુંબીઓનું કહેવું છે કે, જો જરૂરી દવા તેના યોગ્ય સમયે દર્દીને ના આપવામાં આવે, તો દર્દીનો જીવ જોખમમાં પણ મૂકાઈ શકે છે. હોસ્પિટલ તંત્ર આ બધી બાબતથી માહિતગાર હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. આમ તંત્ર ઈમરજન્સી સ્થિતિમાં પણ હાથ પર હાથ રાખી બેઠું છે.
દવાઓનો અભાવ
આ મામલે અનેક સ્થાનિક આગેવાનો અને સામાજિક અગ્રણીઓ દ્વારા આજે સિવિલનાં સુપ્રિન્ટેન્ડેન્ટને થેલેસેમિયાની દવાઓના સપ્લાયને પૂર્વવત કરવાની માગણી કરી હતી અને તાકીદે લોકોને દવાઓ ઉપલબ્ધ કરાવવાની વિનંતી પણ કરી હતી. મહત્વનું છે કે આવી દવાઓમાં કેલ્ફર, કેલ્શિયમ ગ્લુકોનેટ, ડેસ્ફેરાલ ઇન્જેકશન, ડેસીરોક્ષ અને ડાયકલોનો સમાવેશ થાય છે. જે થેલેસેમિયાના દર્દીઓ માટે જીવનરક્ષક પુરવાર થતી હોય છે.
જથ્થો જલદી કરાવાશે: ડો.ત્રિવેદી
આ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ પણ જણાવ્યું કે, દર્દીઓની ફરિયાદ મુજબની તમામ દવાઓનાં સ્ટોકનો પ્રશ્ન છે. હાલમાં રાજ્યમાં બધે અછત છે. આમ છતાં અહીં આવતીકાલ સુધીમાં આ તમામ દવા ઉપલબ્ધ કરાવી દેવાશે. આમ તેમણે દર્દીઓને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવાની બાંહેધરી આપી હતી.


