- કેરળમાં દહેજના કારણે સગાઇ તૂટતાં ડૉક્ટર યુવતીની આત્મહત્યા
- આત્મહત્યા બાદ પોલીસે તેના બોયફ્રેન્ડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
- માંગ પૂરી નહીં કરી શકાતા છોકરાવાળાઓએ સગાઇ તોડી નાખી
કેરળના તિરુવનંથપુરમાં દહેજના દૂષણના કારણે વધુ એક શિક્ષિત યુવતીએ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. 26 વર્ષની ડૉક્ટરે દહેજના કારણે સગાઇ તૂટી ગયાં બાદ લોકલાજના ડરથી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ ઘટનામાં મુરતિયા અને તેના પરિવારજનો સામે કેસ દાખલ કર્યો છે. અહેવાલો અનુસાર વરપક્ષે લગ્ન માટે 150 તોલા સોનું, બીએમડબ્લ્યૂ કાર અને 15 એકર જમીનની ડિમાન્ડ કરી હતી. માંગ પૂરી નહીં કરી શકાતા છોકરાવાળાઓએ સગાઇ તોડી નાખી હતી. આ ઘટનાની જાણ થતાં રાજ્યના આરોગ્ય પ્રધાને તરત જ તપાસનો આદેશ કર્યો હતો. આત્મહત્યા કરનારી યુવતી તિરુવનંથપુરમ મેડિકલ કોલેજમાંથી સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી ચૂકેલી હતી. શહાના નામની આ યુવતીએ સોમવારે સર્જરી આઈસીયુમાં નાઇટ ડયૂટી કરવાની હતી પણ તેણી ડયૂટી પર હાજર થઇ ન હતી.
એનેસ્થેશિયાનો ઓવરડોઝ લીધો
શહાના હાજર ના થતાં તેના સહકર્મીએ તેને ફોન કર્યો હતો પણ તેણે ફોન ના ઉપાડતાં મિત્રો તેના ફ્લેટ પર પહોંચ્યા હતાં. શહાનાએ દરવાજો ના ખોલતાં પોલીસને બોલાવવામાં આવી હતી. દરવાજો તોડવામાં આવતાં શહાના બેભાન હાલતમાં મળી હતી. તેણીને તરત મેડિકલ કોલેજ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી પણ ત્યાં સુધીમાં વિલંબ થઇ ગયો હતો અને ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે તેણીએ એનેસ્થેશિયાની દવાનો હાઇડોઝ લઇને જીવ આપી દીધો હતો.


