- હરણી પોલીસે શખ્સોની અટકાયત કરી
- ગૃહમંત્રીનો નકલી PA બની પોલીસ સાથે મારામારી કરી
- ટ્રાફિક પોલીસ જવાનો પર રોફ જમાવ્યો
PMO અને CMO ના નકલી અધિકારી બાદ હવે ગૃહમંત્રીનો નકલી પીએ ઝડપાયો છે. એક શખ્સે વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે દારૂના નશામાં ટ્રાફિક પોલીસના જવાનો સાથે મારામારી કરી હતી. જેમાં તેને રૌફ મારતા કહ્યું હતું કે, “હું ગૃહમંત્રીનો પીએ છું” કહીને પોલીસ જવાનોને બદલી કરી દેવાની ધમકી આપી માર માર્યો હતો.
નકલી પીએ પોલીસ જવાનોને માર મારી પોલીસની જ ગાડીનો પીછો કર્યો હતો. અનાર્મ હેડ કોન્સ્ટેબલ નવીનચંદ્ર મથુરભાઈ અને ટ્રાફિક બ્રિગેડના જ્યોતિષ કુમાર પરમારને માર્યો માર માર્યો હતો. ટ્રાફિક પોલીસે કંટ્રોલ રૂમ ના માધ્યમ થી મદદ માગતા હરણી પોલીસ પહોંચી હતી. જો કે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચેલા ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓના નામ વરુણ નારાયણ પટેલ ,દરજીપુરા (ગૃહમંત્રીના પીએ તરીકેની ઓળખ આપનાર), આકાશ સુરેશ પટેલ (હરણી ગામ), પુનાક વિનેશભાઈ પટેલ (હરણી ગામ) છે. પોલીસે સમગ્ર મામલે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
રાજ્યમાં નકલીની ભરમાર જામી છે. નકલી ટોકનાકુ, નકલી સરકારી કચેરી, નકલી PMO અને CMO અધિકારી બાદ હવે વડોદરામાંથી ગૃહમંત્રી હર્ષ સંઘવીના નકલી PA ની ધરપકડ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, પોલીસના હાથે ઝડપાયેલો આ શખ્સ ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો PA તરીકે લોકોમાં રોફ જમાવતો હતો. વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે બદલીની ધમકી આપી નશામાં ધૂત ત્રણ જેટલા યુવકો લોકોમાં રોફ જમાવી રહ્યા હતા. જેમાંથી એક વરુણ પટેલ નામના યુવક પોતે ગૃહમંત્રીનો PA છે અને તારી બદલી કરાવી દઇશ. એમ કહીને પોલીસકર્મીઓને માર માર્યો હતો. વળી, આ શખસો આટલેથી ના અટક્યા તેમણે પોલીસ-વાનનો પીછો પણ કર્યો. હાલ તો સમગ્ર મામલે હરણી પોલીસે દારૂના નશામાં ધૂત 3 આરોપીની ધરપકડ કરી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે હું અને ટ્રાફિકબ્રિગેડના ડ્રાઇવર જ્યોતિષકુમાર પાઉલભાઈ પરમાર પૂર્વ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન રાત્રે પોણા બે વાગ્યાની આસપાસ ગોલ્ડન ચોકડી પાસે, સર્વિસ રોડ ઉપર આવેલા પારસ ઢાબા પાસે આવતા બે ઇસમ શેડ પર વચ્ચે ઊભા હતા, જેથી અમે અમારી ગાડી રોકી હતી અને તેમને સાઇડમાં ઊભા રહી વાતો કરવાનું જણાવ્યું હતુ. બાદમાં તેઓ એકદમ મારી ગાડી પાસે આવ્યા હતા.
અમારી ગાડીનો દરવાજો ખોલીને તેમણે અમને કહ્યું હતું કે તમે કેમ અહીં આવ્યા છો. તેઓ દારૂ જેવા કેફી પીણાંનો નશો કરેલી હાલતમાં હતા. તેમને આ બાબતે કહેવા જતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને અમને જણાવ્યું હતું કે તમે ટ્રાફિકવાળા છો, તમારે કોઈ લેવાદેવા નથી, જેમાંથી વરુણ પટેલ નામનો યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને અમારા ડ્રાઇવર સાથે મારામારી અને ઝપાઝપી કરી હતી તથા ડ્રાઇવરને પકડીને રોડ ઉપર પછાડ્યો હતો, જેથી તેમને પીઠ અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેને મારી સાથે પણ પણ છૂટાહાથની મારામારી કરી હતી અને મને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. વરુણ પટેલે જણાવ્યું હતું કે હું ગૃહમંત્રીનો પી.એ. છું, હું તમારી કાલે બદલી કરાવી દઇશ.
અમે આરોપીઓને પકડવા જતાં તેઓ નજીકમાં ઊભેલી એક સફેદ કલરની કિયા જેવી ફોર-વ્હીલર ગાડીમાં બેસી ભાગી ગયા હતા. ત્યાર બાદ અમે તેમનો પીછો કરી પકડવા જતાં તેમની બીજી બે-ત્રણ ગાડીઓમાંથી એક થાર ગાડી અને બીજી એક સફેદ કલરની ગાડી અમારો પીછો કરવા લાગી હતી. જેથી અમે સિટી કંટ્રોલ રૂમમાં રાત્રિના સવાબે વાગ્યાના અરસામાં વાયરલેસ મેસેજથી જાણ કરી હતી. જેથી હરણી પોલીસ આવી ગઈ હતી. તેમ છતાં તેમણેએ હરણી પોલીસ સ્ટેશન સુધી અમારો પીછો કર્યો હતો. જો કે આ મામલે હરણી પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતું કે, પોલીસ સાથે મારામારી કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


