- કેન્દ્રએ જજિસના હોદ્દા ખાલી રહેવા માટે કોલેજિયમ પર ઠીકરું ફોડયું
- કોલેજિયમ દ્વારા સરકારને ભલામણો મોકલી આપવામાં નહીં આવતા બેકલોગ સર્જાયો છે
- 60 ભલામણોને ફરી વિચારણા માટે સંબંધિત હાઈકોર્ટોમાં મોકલવામાં આવી
દેશની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોમાં જજિસની જગ્યાઓ ખાલી રહેવા માટે ફરી એકવાર સુપ્રીમ કોર્ટનાં કોલેજિયમ અને કેન્દ્ર સરકાર વચ્ચે તડાફડી મચી છે. કેન્દ્રનાં કાયદા પ્રધાન અર્જુન મેઘવાલે લોકસભામાં જણાવ્યું હતું કે, દેશની હાઈકોર્ટોમાં જજિસની 198 જગ્યા ખાલી છે. કેન્દ્ર સરકારે ફરી એકવાર કોર્ટોમાં જજિસનાં હોદ્દા ખાલી રહેવા માટે કોલેજિયમ પર ઠીકરું ફોડયું છે. મેઘવાલે કહ્યું કે હાઈકોર્ટોમાં જજિસની નિયુક્તિ માટે 42 જેટલી ભલામણો સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારણા માટે પેન્ડિંગ છે. 60 ભલામણોને ફરી વિચારણા માટે સંબંધિત હાઈકોર્ટોમાં મોકલવામાં આવી છે. હાઈકોર્ટોમાં જજિસની નિયુક્તિ માટે કોલેજિયમ દ્વારા કોઈ સમયમર્યાદાનું પાલન કરવામાં આવતું નથી. હાઈકોર્ટોમાં હાલ જજિસની 198 જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ ભરવા માટે હાઈકોર્ટો કે કોલેજિયમ દ્વારા કોઈ ભલામણો સરકારને મોકલવામાં આવી નથી. આને કારણે મોટો બેકલોગ સર્જાયો છે.
25 HCમાં જજિસની 29% જગ્યાઓ ખાલી
હાલ દેશની 25 હાઈકોર્ટોમાં જજિસની 29 ટકા જગ્યાઓ ખાલી પડી છે. જજિસની કુલ સ્વીકૃત જગ્યાઓ 1114 છે. 1 ડિસેમ્બર સુધી કુલ 324 જગ્યાઓ ખાલી હતી. કેન્દ્ર સરકારે 2022માં 165 અને 2023માં 4 ડિસેમ્બર સુધી 110 જજિસની જગ્યાઓ મંજૂર કરી હતી. જજિસની નિયુક્તિ માટે હાઈકોર્ટો અને કોલેજિયમ દ્વારા ભલામણો કરવામાં થઈ રહેલા વિલંબ અંગે કાયદા પ્રધાન મેઘવાલે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટોમાં જજિસની નિયુક્તિ માટેની સત્તા જે તે હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ પાસે હોય છે. જગ્યા ખાલી થાય તેનાં 6 મહિના પહેલા તેમણે જે તે જગ્યા પર અન્ય જજની નિયુક્તિ કરવા ભલામણ મોકલી આપવાની હોય છે. આ સમય મર્યાદાનું હાઈકોર્ટો દ્વારા જ પાલન કરાતું નથી. મેઘવાલે કહ્યું કે આ વર્ષે 1 જાન્યુઆરી સુધી હાઈકોર્ટ કોલેજિયમ દ્વારા મળેલી 171 દરખાસ્તો જુદા જુદા સ્તરે વિચારણા હેઠળ છે.


