- ઈકોનોમીમાં આવેલી તેજીને કારણે વીજળીની માંગમાં વૃદ્ધિ
- વીજળીની ઉત્પાદન ક્ષમતામાં 194 ગીગાવૉટનો વધારો કરવામાં આવ્યો
- 2013-14માં વ્યસ્ત મોસમમાં વીજળીની માંગ 136 ગીગાવૉટ રહી હતી
દેશમાં એપ્રિલથી નવેમ્બર સુધીમાં વીજળીનાં વપરાશમાં 9 ટકાનો જબરદસ્ત વધારો થયો છે. ખાસ કરીને ઈકોનોમીમાં આવેલી તેજીને કારણે વીજળીની માંગમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. એપ્રિલથી નવેમ્બરમાં સમીક્ષા હેઠળનાં ગાળામાં દેશમાં વીજળીનો વપરાશ 1099.90 અબજ યુનિટ રહ્યો હતો. ગયા વર્ષે આ જ સમયગાળામાં વીજળીનો વપરાશ 1010.20 અબજ યુનિટ રહેવા પામ્યો હતો. જ્યારે વર્ષ 2021-22માં એપ્રિલથી નવેમ્બરમાં વીજળીનો કુલ વપરાશ 916 અબજ યુનિટ હતો. વર્ષ 2022-23માં આખા નાણાકીય વર્ષમાં વીજળીનો કુલ વપરાશ 1504.26 અબજ યુનિટ રહ્યો હતો જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં 1374 અબજ યુનિટ વીજળી વપરાઈ હતી.
ઈકોનોમીમાં તેજીની અસર
ઉર્જા ક્ષેત્રનાં નિષ્ણાતોએ કહ્યું હતું કે, આ નાણાકીય વર્ષનાં પહેલા આઠ મહિનામાં વીજળીનાં વપરાશમાં 9 ટકાનો વધારો ખાસ કરીને દેશની ઈકોનોમીમાં આવેલી તેજીને કારણે થયો છે. કેન્દ્રનાં ઊર્જાપ્રધાન આર કે સિંહે લોકસભામાં જણાવ્યું હતું કે, દેશમાં નાણાકીય વર્ષ 2013-14ની સરખામણીમાં 2022-23માં વીજળીનાં વપરાશમાં 50.8 ટકાનો વધારો નોંધાયો હતો. 2013-14માં વ્યસ્ત મોસમમાં વીજળીની માંગ 136 ગીગાવૉટ રહી હતી. જ્યારે 2023માં તે વધીને 243 ગીગાવૉટ થવા પામી હતી.
ગરમીની મોસમમાં વીજળીની માંગ વધશે
ઊર્જા મંત્રાલયે કહ્યું હતું કે, આ વર્ષે ઉનાળામાં ગરમીની મોસમમાં વીજળીની માંગ 229 ગીગાવૉટ સુધી પહોંચી જવાની શક્યતા છે. એપ્રિલથી જુલાઈમાં ચોમાસાની મોસમને કારણે વીજળીની માંગમાં ઘટાડો થયો હતો. ગયા વર્ષે જૂનમાં વીજળીની માંગ 224 ગીગાવૉટ સુધી પહોંચી હતી. પણ જુલાઈમાં તે ઘટીને 209 ગીગાવૉટ રહેવા પામી હતી. ઓગસ્ટમાં વીજળીની માંગ 238.82 ગીગાવૉટ અને સપ્ટેમ્બરમાં 243.27 ગીગાવૉટ રહી હતી.ઓક્ટોબરમાં દેશમાં વીજળીની માંગ 222.16 ગીગાવૉટ અને નવેમ્બરમાં 204.86 ગીગાવૉટ રહી હતી.


