- મધ્યપ્રદેશમાં સીએમના નામની જાહેરાત
- મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવ
- ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
મધ્યપ્રદેશમાં બીજેપીની પ્રચંડ જીત બાદ હવે સીએમનો તાજ કોના શિરે તેની લઇને મનોમંથન ચાલી રહ્યું હતું. જો કે હવે સીએમના નામ પર મ્હોર મારી દેવામાં આવી છે. ને મધ્યપ્રદેશના નવા સીએમ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ હાઈકમાન્ડે નિરીક્ષકોની એક ટીમ ભોપાલ મોકલી હતી. નિરીક્ષકો હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર, આશા લાકરા અને કે લક્ષ્મણ સવારે સાડા અગિયાર વાગ્યે ભોપાલ પહોંચ્યા હતા.
MPમાં પણ નવો ચહેરો
છત્તીસગઢની જેમ મધ્યપ્રદેશની ગાદી પણ નવા ચહેરાને આપવામાં આવી છે. ઉજ્જેન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવને રાજ્યના નવા સીએમ જાહેર કરાયા છે. રાજધાની ભોપાલમાં બપોરે 3.15 વાગ્યે ત્રણ નિરીક્ષકો – હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર, રાષ્ટ્રીય સચિવ આશા લાકરા અને રાજ્યસભાના સાંસદ કે લક્ષ્મણની હાજરીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી જેમાં તેમના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
સ્પીકર અને ડે.સીએમની પણ જાહેરાત
મધ્યપ્રદેશના સ્પીકર અને બે ડેપ્યુટી મુખ્યમંત્રીની પણ જાહેરાત કરવામાં આવી છે. નરેન્દ્રસિંહ તોમર વિધાનસભાના સ્પીકર બનશે. જ્યારે જગદીશ દેવડા અને રાજેશ શુક્લા ડેપ્યુટી CM હશે.
ભાજપને જંગી બહુમતી મળી
મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો માટે 17 નવેમ્બરે મતદાન થયું હતું. તેના પરિણામો 30 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામોમાં ભાજપે જંગી બહુમતી સાથે જીત મેળવી હતી. આંકડાઓ પર નજર કરીએ તો ભાજપને 163 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 66 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.


