- વસુંધરા રાજેના વિકલ્પ ગણાય છે દિયાકુમારી
- વિદ્યાધર નગર બેઠક પરથી મેળવી છે જીત
- રાજસમંદ બેઠક પરથી લોકસભા સાંસદ રહી ચૂક્યા છે
આખરે ભારે કશ્મકશ પછી રાજસ્થાનના નવા મોવડીમંડળના નામ જાહેર થઈ ચૂક્યા છે. ભાજપે લગભગ 10 દિવસોના મંથન પછી આખરે રાજસ્થાનમાં વસુંધરા રાજેના સ્થાને નવા ચહેરાઓને જવાબદારી સોંપી છે અને રાજસ્થાનમાં નેતૃત્વમાં ફેરફાર કર્યો છે. ભાજપે બ્રાહ્મણ સમુદાયના પ્રમુખ આગેવાન એવા ભજનલાલ શર્માને સીએમ પદે જવાબદારી સોંપી છે. જો કે સૌથી વધુ ચર્ચા જે નામની હતી એ રાજસમંદ બેઠકના સાંસદ એવા દિયા કુમારીને ભાજપે ડેપ્યુટી સીએમ બનાવ્યા છે. આમ રાજસ્થાનમાં હવે ભાજપમાં વસુંધરા રાજેનો યુગ પૂર્ણ થયો એવું કહી શકાય તેમ છે.
ભાજપ હાઈકમાન્ડે ભજનલાલ શર્માને સીએમ, પ્રેમચંદ બૈરવાને ડેપ્યુટી સીએમ અને રાજકુમારી દિયાકુમારીને પણ ડેપ્યુટી સીએમ બનાવ્યા છે જ્યારે કે વાસુદેવ દેવનાનીને સ્પીકર પદે જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામમાં દિયાકુમારી જ એક એવો ચહેરો છે જેની ચર્ચા ચૂંટણી પહેલાથી વસુંધરા રાજેના રિપ્લેસમેન્ટ તરીકે થઈ રહી હતી. હકીકતે રાજકુમારી દિયાકુમારીનો સંબંધ રાજસ્થાનની જયપુર રિયાસતના રાજવી પરિવારથી છે. જયપુર રિયાસતના છેલ્લા રાજવી માનસિંહ દ્વિતીયના તે પૌત્રી છે અને રાજપૂત સમુદાયનો મોટો ચહેરો મનાય છે.
હકીકતે લોકોની વચ્ચે દિયાકુમારીને રાજસ્થાનમાં રાજપૂત સમુદાયમાં વસુંધરા રાજેના ભાજપના વિકલ્પ તરીકે જોવાઈ રહ્યું હતું. તેમનો 2013માં ભાજપમાં પ્રવેશ થયો હતો ત્યારે ચૂંટણીઓમાં તેમણે કિરોડીલાલ મીણાને પણ હરાવ્યા હતા. આ ઉપરાંત 2019માં તેમને લોકસભા ચૂંટણીની રાજસમંદ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી. જે તેમણે 5.51 લાખ વોટથી જીતી હતી. આ પછી 2023માં રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઓમાં દિયા કુમારીને વિદ્યાધરનગર બેઠક પરથી ટિકિટ અપાઈ છે, આ વખતે તેમણે કોંગ્રેસના સીતારામ અગ્રવાલને હરાવ્યા છે અને 71 હજાર વોટની લીડ મેળવી છે. આ વખતે ચૂંટણી પહેલાથી જ વસુંધરા રાજેના રિપ્લેસમેન્ટ તરીકે તેમને જોવાઈ રહ્યા હતા જો કે ભાજપે તેમને આખરે ફાઈનલી ડેપ્યુટી સીએમ બનાવ્યા છે.
રાજકુમારી દિયાકુમારીનો જન્મ: 30 જાન્યુઆરી 1971, જયપુરમાં થયો છે અને તે પૂર્વ રાજસ્થાન વિધાનસભામાં સવાઈ માધોપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. પ્રિન્સેસ દિયા કુમારી જયપુરના મહારાજા સવાઈ સિંહ અને રાણી પદ્મિની દેવીની પુત્રી છે. તેમણે પ્રારંભિક શિક્ષણ મોર્ડન સ્કૂલ, નવી દિલ્હી અને મહારાણી ગાયત્રી દેવી ગર્લ્સ પબ્લિક સ્કૂલ, જયપુરમાં મેળવ્યું હતું, બાદમાં ડેકોરેટિવ આર્ટ કોર્સ માટે લંડન ગયા હતા. , જયપુર જે તેમનું આંશિક નિવાસસ્થાન પણ છે, જયગઢ ફોર્ટ, આમેર અને બે ટ્રસ્ટ, મહારાજા સવાઈ સિંહ II મ્યુઝિયમ ટ્રસ્ટ, જયપુર અને જયગઢ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ આ ટ્રસ્ટમાં તે મેનેજમેન્ટ જુએ છે. આ ઉપરાંત દિયાકુમારી બે શાળાઓનું પણ ધ્યાન રાખે છે. ધ પેલેસ સ્કૂલ અને મહારાજા સવાઈ ભવાની સિંહ સ્કૂલ. જે ઉપરાંત તેઓ ત્રણ રાજભવન હોટલ, હોટેલ રાજમહેલ પેલેસ, જયપુર, હોટેલ જયપુર હાઉસ, માઉન્ટ આબુ અને હોટેલ લાલ મહેલ પેલેસનું પણ સંચાલન કરે છે.
રાજકુમારી દિયાકુમારીના દાદી રાજમાતા ગાયત્રીદેવી હતા. જે તેમના સમયમાં ખૂબ જ વિખ્યાત ભારતીય મહિલા રાજકારણી હતા. ગાયત્રીદેવીના અંગત ધ્યાન હેઠળ ઉછર્યા હોવાથી દિયા કુમારીના વ્યક્તિત્વમાં પણ ગાયત્રીદેવીની ઝલક દેખાતી હોય એવું લોકો કહે છે. દિયાકુમારી અનેક સામાજિક પહેલ સાથે પણ સંકળાયેલા રહ્યા છે. તેમણે આ ચૂંટણીઓમાં આક્રમક પ્રચાર કર્યો હતો અને પોતાને રોડ પર ચાલતા રાજકુમારી તરીકે જમીનીસ્તરના નેતા તરીકે પ્રોજેક્ટ કર્યા. આ મહેનત રંગ લાવી છે અને હવે તેમને રાજસ્થાનના નવા ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી મળી છે. મહત્વનું છે કે તેમણે 10 સપ્ટેમ્બર 2013ના રોજ જ્યારે ભાજપમાં પ્રવેશ કર્યો ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ તરીકે રાજનાથ સિંહ અને વસુંધરા રાજે પણ ત્યાં હાજર હતા. આ વખતે પણ જ્યારે તેમને નવી ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી મળી ત્યારે વસુંધરા રાજે અને રાજનાથ સિંહની હાજરી રહી છે.


