- બિલ વિના જ રોકડી કરી કરોડોની GST ચોરી કરતા હોવાનું ઝડપાયું
- અમદાવાદની 38 હોટેલમાં અગાઉ પડેલા દરોડાના પગલે વ્યાપ વધારાયો
- તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવે તેવી સંભાવના
અમદાવાદની 38 હોટલો પર જીએસટીની ટીમે દરોડા પાડયા બાદ હવે હોટલ અને રેસ્ટોરંટ પર રાજ્યવ્યાપી દરોડા પાડયા છે. એકસો હોટલ- રેસ્ટોરંટ સંચાલકો દ્વારા પાંચ કરોડથી વધુની જીએસટી ચોરી કરાઈ હોવાનું ખુલ્યું છે. તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવે તેવી સંભાવના છે.
વર્લ્ડ કપ વખતે અમદાવાદની હોટલોમાં હજારો મુસાફરો રોકાયા હતા. હોટલના સંચાલકો દ્વારા લાખો રૂપિયા ભાડુ વસૂલાયું હતું. જ્યારે તેના સામે ભરવાના થતા ટેક્સ અને જીએસટીની ચોરી હતી. જેને પગલે જીએસટીના અધઇકારીઓ અમદાવાદની આવી 38 હોટલો પર દરોડા પાડીને 10 કરોડ રૂપિયાની જીએસટી ચોરી શોધી કાઢી હતી. ત્યાર બાદ ડ્રાયફ્રૂટના વેપારી પર દરોડા પાડીને 25 કરોડની કરચોરી શોધી કાઢવામાં આવી હતી.
જીએસટીની ટીમના ધ્યાનમાં આવ્યું હતું કે માત્ર અમદાવાદ જ નહિ પરંતુ રાજયભરની હોટલ અને રેસ્ટોરંટના સંચાલકો દ્વારા મોટાપાયે જીએસટી ચોરી થઈ રહી છે. જેને પગલે અધિકારીઓએ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની 100થી વધુ હોટલ અને રેસ્ટોરંટ પર દરોડા પાડયા હતા. પ્રાથમિક તપાસમાંજ હોટલ સંચાલકો બિલ વગર વ્યવહારો કરીને પાંચ કરોડની જીએસટી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
બાતમીદારો સક્રિય કરવા માટે અધિકારીઓની કવાયત
ઘણા લાંબા સમયથી સ્ટેટ જીએસટીના અધિકારીઓની બાતમી મળતી નથી. જેને પગલે ગાંધીનગરથી અધિકારીઓને બાતમીદારોન એક્ટિવ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશન પગલે અધિકારીઓએ નારાજ બાતમીદારોને મનાવી એક્ટિવ કરવા માટેની કવાયત શરૂ કરી છે.


