- રાજ્યસભામાં પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આપેલી વિગતો
- કન્ઝયુમર સેગમેન્ટમાં 1,64,81,871 સ્માર્ટ મીટર માટે મંજૂરી : કેન્દ્રીય ઊર્જામંત્રી
- 1.65 કરોડ સ્માર્ટ મીટર્સ ગુજરાતમાં લગાવવામાં આવશે
ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રિબ્યૂશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ નાણાકીય વર્ષ 2021-22થી 2025-26 સુધીના પાંચ વર્ષના ગાળા દરમિયાન કુલ રૂ. 16,663 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. RDSSનો ઉદ્દેશ વિતરણ ક્ષેત્રમાં નાણાકીય શિસ્તને લાગુ કરવા ઉપરાંત ઉપભોક્તાઓને સતત વીજ પુરવઠો પૂરો પાડવાનો છે. રાષ્ટ્રીય સ્તરે આ સમયગાળા દરમિયાન કુલ ખર્ચ રૂ. 3,03,758 કરોડ અને કુલ અંદાજપત્રીય સહાયતા (GBS) રૂ. 97,631 કરોડ રહી હતી. રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નમાં કેન્દ્રીય વીજ અને નવી તથા રિન્યૂએબલ ઊર્જા મંત્રી આર.કે. સિંહે વિગતો આપી હતી.
વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં આશરે 19.79 કરોડ પ્રિ-પેઇડ કન્ઝયુમર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન છે, જેમાંથી 1.65 કરોડ સ્માર્ટ મીટર્સ ગુજરાતમાં લગાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં કુલ 60.09 લાખ સ્માર્ટ મીટર, જ્યારે બીજા તબક્કામાં વધુ 1.05 કરોડ મીટર લગાવવામાં આવશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો RDSS હેઠળ આશરે 52 લાખ ડિસ્ટ્રીબ્યૂશન ટ્રાન્સફેર્મર (ડીટી) સ્માર્ટ મીટર્સ અને 1.88 લાખ ફીડર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન ધરાવે છે, જેમાંથી 3 લાખ જેટલા ડીટી સ્માર્ટ મીટર્સ અને 5,229 ફીડર સ્માર્ટ મીટર્સ એકલા ગુજરાતમાં જ લગાવાશે. ફીડર અને ડીટી સ્માર્ટ મીટરથી એનર્જી એકાઉન્ટીંગ ઓટોમેટિક અને સચોટ બનતાં હાઈ લોસ એરિયા શોધવામાં મદદ મળશે. આજદિન સુધીમાં, લોસ રિડક્શન (એલઆર) કામકાજ માટે રૂ. 1,21,778 કરોડના કુલ ખર્ચ ધરાવતા ડીપીઆરને મંજૂરી આપી દેવાઈ છે. દેશમાં સ્માર્ટ મીટરિંગના કામો માટે રૂ. 1,30,474 કરોડ મંજૂર કરાયા છે. જવાબમાં એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, RDSS હેઠળ મંજૂર કરાયેલા કુલ ખર્ચમાંથી, રૂ. 5,897.22 કરોડને સ્કીમ ગાઇડલાઇન્સ મુજબ, સ્કીમ લોંચ કરાઈ ત્યારથી માંડીને 06-12-2023 સુધીમાં જારી કરી દેવાયા છે, જેમાંથી રૂ. 308 કરોડ છેલ્લા બે વર્ષ અને વર્તમાન વર્ષ દરમિયાન ગુજરાત માટે જારી કરવામાં આવ્યા છે.


