- સંસદની સુરક્ષા તોડનાર ચારેય આરોપીઓની પોલીસ કરી રહી છે પૂછપરછ
- ગુરુગ્રામ સેક્ટર-7ની હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રોકાયા હતા આરોપીઓ
- ભાજપ સાંસદ પ્રતાપ સિંહાના ગેસ્ટ બનીને મેળવ્યો હતો પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ
સંસદની સુરક્ષામાં ચૂક મામલે દિલ્હી પોલીસ એક્શનમાં આવી ગઈ છે. આ ઘટનાને અંજામ આપનાર ચારેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ચારેય આરોપીઓ ગુરુગ્રામના સેક્ટર-7ની હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રોકાયા હતા. ચારેય આરોપીઓ વિક્કી શર્મા નામના શખ્સના મિત્રો છે. વિક્કી શર્મા મૂળ હિસારનો વતની છે. દિલ્હી પોલીસે વિક્કી શર્મા અને તેની પત્નીની અટકાયત કરી લીધી છે.
દિલ્હી પોલીસ ચારેય આરોપીઓની અટકાયત કરીને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ આવી છે. એન્ટી-ટેરર યુનિટ અને ગુપ્તચર એજન્સીઓ તેમની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સંસદની બહારથી પકડાયેલા નીલમ અને અમોલ પાસે મોબાઇલ ફોન નથી તેમની પાસે કોઈપણ પ્રકારનું આઈડી કાર્ડ અને બેગ પણ મળ્યું નથી. બંનેએ કોઈપણ સંસ્થા સાથે સંકળાયેલા હોવાનો ઇનકાર કર્યો છે તેમનો દાવો છે કે તે પોતાની મરજીથી સંસદમાં ગયા હતા. તપાસમાં એમ પણ સામે આવ્યું છે કે આ સમગ્ર ષડયંત્રમાં કુલ 6 લોકો સામેલ હતા. 2 લોકોએ અંદર એક હંગામો મચાવ્યો હતો જ્યારે 2 શખ્સોએ સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સંસદની સુરક્ષા ભંગ કરનાર બંને આરોપીઓના નામ સાગર અને મનોરંજન છે. તેમની સાથે નીલમ અને અમોલ શિંદે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, સાગર શર્મા મૈસુરના ભાજપના સાંસદ પ્રતાપ સિંહાના અતિથિ તરીકે પ્રેક્ષક ગેલેરીમાં આવ્યો હતો. તેનો પરિવાર લખનૌના અલામબાગમાં ભાડેના મકાનમાં રહે છે. આ ઘટનાની જાણ થતાંની સાથે જ એક પોલીસ ટીમ પૂછપરછ માટે તેના ઘરે પહોંચી ગઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી મનોરંજન ડી ત્રણ મહિનાથી સંસદમાં ઘૂસવાની ફિરાકમાં હતો. તે છેલ્લા ત્રણ મહિનાથી ભાજપના સાંસદ પ્રતાપ સિંહાની ઓફિસના ચક્કર મારી રહ્યો હતો. ત્યારબાદ, તેમની પાસેથી એન્ટ્રી પાસ બનાવડાવ્યો હતો. મનોરંજને આરોપી સાગર શર્માને તેના મિત્ર તરીકે ઓળખ આપી હતી અને કહ્યું હતું કે તે નવું સંસદ ભવન જોવા માંગે છે.


