- ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ યથાવત
- યુદ્ધના કારણે બાઇડન અને નેતન્યાહુ વચ્ચે મતભેદ
- “ઇઝરાયેલને ફરી ભૂલ કરવાની મંજૂરી આપી શકીએ નહીં”
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં હજારો લોકોના મોત પર અમેરિકા ખૂબ જ ગુસ્સે હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે હજુ પણ ભીષણ યુદ્ધ ચાલુ
ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે હજુ પણ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશ એકબીજા સામે ઝૂકવા તૈયાર નથી. આ યુદ્ધમાં કેટલાક દેશો હમાસને સમર્થન આપી રહ્યા છે તો કેટલાક ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છે. અમેરિકા આ યુદ્ધમાં ખુલ્લેઆમ ઇઝરાયલનું સમર્થન કરી રહ્યું છે અને તેના માટે અન્ય દેશોનું સમર્થન પણ એકત્રિત કરી રહ્યું છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
જળ-થળ અને નભમાંથી બોમ્બમારા સાથે અંધાધૂધ ફાયરિંગ
હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે ઈઝરાયેલની સેના જળ-થળ અને નભમાંથી બોમ્બમારા સાથે અંધાધૂધ ફાયરિંગ કરી રહી છે. હમાસ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાંથી હુમલો કરી રહ્યા છે. બંને દેશો વચ્ચેના યુદ્ધમાં ગરીબ લોકો માર્યા જાય છે. હમાસના આતંકવાદીઓ સુધી પહોંચવા માટે ઈઝરાયેલની સેનાને જનતામાંથી પસાર થવું પડે છે. આ દરમિયાન ઈઝરાયેલના હુમલામાં અનેક નિર્દોષ લોકોના મોત પણ થઈ રહ્યા છે. અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો 18 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
નિર્દોષોના મોત પર અમેરિકા ગુસ્સે?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં સામાન્ય લોકો માર્યા જવાથી અમેરિકા ખૂબ જ ગુસ્સે છે. આ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, ગાઝા પટ્ટીમાં ભારે ગોળીબાર અને બોમ્બ ધડાકાને કારણે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, જેના કારણે ઈઝરાયેલ સતત તેનું વૈશ્વિક સમર્થન ગુમાવી રહ્યું છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પોતાની યુદ્ધનીતિ બદલવાની જરૂર છે. બાઇડને એક કાર્યક્રમમાં ઈઝરાયલ વિરુદ્ધ આ વાત કહી હતી. આ કાર્યક્રમમાં ઘણા યહુદીઓએ પણ ભાગ લીધો હતો.
PM નેતન્યાહુને બદલવાની કેટલી જરૂર?
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલની યુદ્ધનીતિને લઇ કહ્યું કે, આ યુદ્ધમાં અમેરિકા, યુરોપિયન યુનિયન સહિત ઘણા દેશો ઈઝરાયેલના સમર્થનમાં ઉભા છે. ઈઝરાયેલ આ યુદ્ધને સતત મુશ્કેલી ભર્યુ બનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં નેતન્યાહૂની સરકાર બદલવાનો સમય આવી ગયો છે. અમે ઇઝરાયેલને ફરી ભૂલ કરવાની મંજૂરી આપી શકીએ નહીં. આ જો બાઇડનના નિવેદનથી એવું સ્પષ્ટ થાય છેકે તેઓ ઇઝરાયેલના PM નેતન્યાહુથી ખૂબ જ નારાજ છે.


