- કૂદાકૂદ કરતાં યુવકો, ધુમાડો-ધુમાડો ગૃહ અને ભાગતા સાંસદો
- કેટલાંક સાંસદો ડઘાયેલા હતા અને કેટલાંક યુવકને રોકી રહ્યા હતા
- સંસદની સુરક્ષા ચૂક બાદ જાણો શું કહ્યું કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ
દેશની સંસદમાં સુરક્ષાની ચૂકનો મોટો મામલો સામે આવ્યો છે. લોકસભામાં સુરક્ષા ભંગનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે 2 લોકો દર્શક ગેલેરીમાંથી અચાનક કૂદીને સાંસદો વચ્ચે પહોંચી જાય છે. જે બે શખ્સોએ સુરક્ષા ભંગ કરી છે તેમાંથી એકનું નામ સાગર છે. આ લોકો સાંસદના નામે લોકસભા વિઝિટર પાસ લઈને પહોંચ્યા હતા. બંનેને સંસદમાં જ પકડીને અટકાયતમાં રાખવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના એન્ટી ટેરર યુનિટનો સ્પેશિયલ સેલ સંસદમાં કુદનાર યુવકોની પૂછપરછ કરી રહી છે.
ત્યારે, જે વિડીયો સામે આવ્યો છે તેને જો ધ્યાનથી જોવામાં આવે તો એક ચોંકાવનારી વાત સામે આવી છે. વિડિયોમાં જોઈ શકાય છે કે ભાજપના સાંસદ ખગેન મુર્મૂ પ્રશ્ન કાળ દરમિયાન પોતાની રજૂઆત કરી રહ્યા હતા ત્યાં અચાનક બે શખ્સો વિઝિટર ગેલેરી માંથી કૂદીને સાંસદો વચ્ચે આવી પહોંચે છે. અને પોતાના બૂટ માંથી સ્મોક બોમ કાઢીને રંગીન ધુમાડો કરવા લાગે છે જેને કારણે આખું લોકસભા ગૃહધુમાડો ધુમાડો થઈ જાય છે. સાંસદોમાં અચાનક અફરાતફરી મચી જાય છે. કેટલાંક સાંસદો ભાગવા લાગે છે તો કેટલાંક સાંસદો તે શખ્સોને અટકાવવા માટે આગળ વધે છે અને તેમને પકડીને પહેલા તો તેમની ધોલાઈ કરે છે અને બાદમાં સુરક્ષા કર્મીઓના હવાલે કરી દે છે.
જોકે આ બધા વચ્ચે એક રસપ્રદ વાત ધ્યાને આવી છે. જ્યાં એક તરફ કેટલાંક સાંસદો બંને શખ્સોને પકડવા માટે આગળ આવે છે તો કેટલાંક સાંસદોમાં અફરાતફરી જોવા મળી રહી છે. પરંતુ વિડીયોમાં એક ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે સુરક્ષા ભંગ સમયે જ્યારે લોકસભામાં અફરાતફરી હતી ત્યારે લોકસભા સ્પીકરની બેઠકની પાસે એક શખ્સ આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સ્થિર ઊભો છે. આ શખ્સ અન્ય કોઈ નહિ પરંતુ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી છે. સમગ્ર વિડીયો દરમિયાન રાહુલ ગાંધી એવી રીતે સ્થિર ઊભા છે જાણે કે કોઈ તમાશો ચાલી રહ્યો હોય. રાહુલ ગાંધી દૂર ઊભા રહીને સમગ્ર ઘટના ક્રમ જોઈ રહ્યા છે પરંતુ તેમના ચહેરા પર કોઈ જ હાવભાવ નથી. તેઓ કિંકર્તવ્યવિમૂઢ બનીને ઊભા છે.


