- દિલ્હી પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી
- સંસદની અંદર અને બહાર સેમ્પલિંગ કરવામાં આવ્યું
- 4 શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ પણ કરાઈ
સંસદમાં ચાલતી કાર્યવાહીમાં આજે એક મોટી ચૂકની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં પ્રેક્ષક દીર્ઘામાં બેઠેલા 2 શખ્સોએ અચાનક ચાલતી કાર્યવાહીની વચ્ચે ઘૂસણખોરી કરી હતી. જેથી ઉપસ્થિત સાંસદોમાં ફફડાટ ફેલાયો હતો. મહત્વનું છે કે આજે સંસદ પર હુમલાની 22મી વરસી છે. જેને લઈને સવારે સંસદ હુમલામાં શહીદ થયેલા સુરક્ષા જવાનો અને અન્ય શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.
સંસદમાં બેરિકેડિંગ
આ મામલે એક મોટી અપડેટ એ પણ સામે આવી છે કે હવે સમગ્ર સંસદભવનના વિસ્તારમાં બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને પાર્લામેન્ટ ભવનની બહાર પણ ફોરેન્સિક ટીમ આવી ગઈ છે અને સંસદમાં ફેંકવામાં આવેલા ગેસની તપાસ કરાઈ છે. અત્યાર સુધીની માહિતી અનુસાર સંસદમાં ઘૂસણખોર શખ્સો દ્વારા વાપરવામાં આવેલું ગેસ એ હાનિકારક ગેસ ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પકડાયેલા શખ્સો પાસેથી ફોરેન્સિક વિભાગની ટીમે કલર સ્પ્રે પણ જપ્ત કર્યું હતું અને હાલમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસની ટીમોએ સંસદભવનમાં પ્રવેશ કરીને તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત સ્પ્રે અને શંકાસ્પદ વ્યક્તિઓ દ્વારા વપરાયેલી અન્ય સામગ્રીને કબજે લઈ તેના સેમ્પલ કલેક્ટ કરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
FSL ટીમોની તપાસ
આ ઘટનામાં દિલ્હી પોલીસની FSL ટીમો દ્વારા સંસદની અંદર અને બહાર બંને જગ્યાએથી સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઝડપી લેવાયેલા 4 શખ્સોની ઓળખ પણ થઈ ચૂકી હોવાની જાણકારી સામે આવી છે. જેમની ઉલટતપાસ હવે દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવશે એવી જાણકારી પણ સામે આવી છે. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાને પણ અલર્ટ બનાવી પોલીસ અને સુરક્ષાબળોની ટીમોને સતર્ક કરી દેવામાં આવી છે. હવે આ દબોચી લેવાયેલા શખ્સોની તપાસ થશે એવી માહિતી સામે આવી છે. જાણકારી અનુસાર આ મામલે દિલ્હી પોલીસની ટીમે સંસદ ભવનની અંદર પ્રવેશ કર્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
શું હતી ઘટના?
આ અંગેની માહિતી અનુસાર, લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે દર્શક ગેલેરીમાંથી એક શખ્સ કુદીને અંદર આવ્યો છે. આ દરમિયાન દર્શક ગેલેરીમાંથી એક વ્યક્તિ વેલમાં ધસી આવ્યો હતો. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં યુવક સાંસદોના ટેબલ પર કૂદતો નજર આવ્યો છે. તેમને સાંસદોએ પકડીને સુરક્ષા કર્મચારીઓને સોંપ્યા હતા. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
કોણ છે બંને શખ્સ
લોકસભાની કાર્યવાહી દરમિયાન જે બે લોકો પ્રવેશ્યા તેમાંથી એકનું નામ સાગર છે. બંને સાંસદના નામે લોકસભા મુલાકાતી પાસ પર આવ્યા હતા. સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે બંને લોકો મૈસુરના સાંસદ પ્રતાપ સિમ્હાના નામે લોકસભા વિઝિટર પાસ દ્વારા આવ્યા હતા જે બંને કલર સ્મોક એટલે કે રંગીન ધૂમાડાના સેલ સાથે વિરોધ કરવાના હતા. બંને દોડતા દોડતા નીકળ્યા હતા અને પોલીસે બંનેને ટ્રાન્સપોર્ટ ભવન સામેથી ઝડપી લીધા હતા. બંનેની ઓળખ થઈ ચૂકી છે જેમાં એક 42 વર્ષની મહિલા છે. જે હિસારની છે અને તેનું નામ નિલમ કૌર સિંઘ છે. જ્યારે બીજો 25 વર્ષનો યુવક મહારાષ્ટ્રનો છે અને તેનું નામ અમોલ ધનરાજ શિંદે છે.
કોંગ્રેસ નેતાએ આપી માહિતી
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદી અને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું, જેના કારણે ગેસ નીકળી રહ્યો હતો. સાંસદોએ તેને પકડી લીધો અને સુરક્ષાકર્મીઓ તેને બહાર લઈ ગયા. નોંધનીય છેકે, સુરક્ષા ભંગ છે કારણ કે આજે આપણે 2001 માં તેમના જીવનનું બલિદાન આપનાર લોકોની પુણ્યતિથિ છે. સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે, અચાનક બે લોકો વિઝિટર ગેલેરીમાંથી લોકસભામાં કૂદી પડ્યા. બંનેની ઉંમર 20 વર્ષની આસપાસ છે. આ લોકો ડબ્બા લઈને જતા હતા. આ ડબ્બાઓમાંથી પીળા રંગનો ગેસ નીકળી રહ્યો હતો. બેમાંથી એક વ્યક્તિ દોડીને સ્પીકરની ખુરશીની સામે પહોંચી ગયો. તેઓ કેટલાક સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ ગેસ ઝેરી હોવાની આશંકા છે. 13 ડિસેમ્બર 2001 પછી સંસદની સુરક્ષામાં ક્ષતિનો આ એક મોટો મામલો છે


