- ઓર્થોપેડિક વિભાગમાં IITV મશિન ખોટકાયુ
- 7 ડિસેમ્બરથી IITV મશિન બંધ હોવાથી ઓપરેશન અટક્યા
- એક સપ્તાહથી મશિન બંધ રહેતા દર્દીઓની હાલત કફોડી
નડિયાદ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ઓપરેશન થિયેટરમાં IITV મશીન ખોટકાઈ ગયુ અને દર્દીઓ રઝડી પડ્યા છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી હાડકાના દર્દીઓને ખૂબજ હાલાકી વેઠવાનો વારો આવી ગયો છે.
આ મશીન છેલ્લા ઘણા દિવસોથી બંધ થઈ ગયુ
સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં જે IITV મશીન છે તેનાથી દર્દીઓનું ઑપરેશન કરવામાં આવે છે. આ મશીન છેલ્લા ઘણા દિવસોથી બંધ થઈ ગયુ છે. IITV મશીન બંધ થઈ જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ઑપરેશન ન થવાથી દર્દીઓ દર્દની પીડાથી હેરાન પરેશાન થઈ ગયા છે. બીજી તરફ નડિયાદ સિવિલ હોસ્પિટલના CDMO ડો.કવિતા શાહ કહી રહ્યા છે કે ગત 7 ડિસેમ્બરના રોજ IITV મશીન બંધ થઈ જતા એન્જિનિયરને બતાવતા બગડેલ પાર્ટ નાખી રીપેર કરવાનું જણાવ્યું હતું.
દર્દીઓને કણસતા, રઝડતા મૂકી દેવામાં આવ્યા
ગુરુવારથી અત્યાર સુધીમાં કુલ 11 ઓપરેશન કરવામાં આવ્યા છે અને IITV મશીન રીપેર થયા બાદ આગળના વધુ બાકી ઓપરેશન કરવામાં આવશે. IITV મશીનના સ્પેર-પાર્ટસ બેંગ્લોર દિલ્હીથી મંગાવ્યા છે તે આવ્યે મશીન રીપેર થઈ જશે. આ સાથે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ સમસ્યા ન થાય તે માટે નવા IITV મશીનના ક્વોટેશન મંગાવીને આગળ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે આટલા દિવસો વીતી ગયા હોવા છતાં દર્દીઓને વધુ સારવાર માટે શા માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં ન આવ્યા અને દર્દીઓને કણસતા, રઝડતા મૂકી દેવામાં આવ્યા તે એક સૌથી મોટો સવાલ છે.


