- સંસદમાં સુરક્ષા ચૂક મામલે 6 લોકોની ધરપકડ
- કોલકાતાનો લલિત ઝા માસ્ટરમાઇન્ડ હોવાનું કહેવાય છે
- લલિત ગત રાત્રિએ પોલીસ સમક્ષ સરેન્ડર થયો હતો
13 ડિસેમ્બરે સંસદમાં થયેલા ધુમાડાના હુમલાની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતાનો લલિત ઝા આ ઘટનાનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે. લલિત એ વ્યક્તિ છે જેણે સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. તે રાજસ્થાન ભાગી ગયો હતો, પરંતુ ગુરુવારે મોડી સાંજે તેણે દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. લલીલ ઝાનું નામ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના એક નેતા સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું છે કે લલિત ઝા TMCના તાપસ રોય સાથે નજીકના સંબંધોમાં હતા.
બીજેપીએ લગાવ્યો આરોપ
સુકાંત મજુમદારે X પર લખ્યું કે આપણા લોકતંત્રના મંદિર પર હુમલાના માસ્ટરમાઇન્ડ લલિત ઝા લાંબા સમયથી TMCના તાપસ રોય સાથે નજીકના સંબંધોમાં હતા. શું આ પુરાવા નેતાની સાંઠગાંઠની તપાસ કરવા માટે પૂરતા નથી? તમને જણાવી દઈએ કે કોલકાતાના લલિત ઝાએ ગુરુવારે મોડી સાંજે દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. લલિત વ્યવસાયે શિક્ષક છે. તેણે એક NGOમાં પણ કામ કર્યું છે.
લલિત ઝાએ કર્યુ હતુ સરેન્ડર
દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે લલિત ઝા કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને સ્પેશિયલ સેલને સોંપવામાં આવ્યો હતો જે ઘટનાની તપાસ કરી રહી છે. મહત્વનું છે કે 13 ડિસેમ્બરના રોજ સંસદની સુરક્ષામાં ભંગની એક મોટી ઘટના સામે આવી હતી જ્યારે લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો ગૃહની અંદર કૂદી પડ્યા હતા અને એક ડબ્બામાંથી પીળો ધુમાડો ફેલાવ્યો હતો. ઘટના બાદ તરત જ બંને ઝડપાઈ ગયા હતા.


