- સૌથી વધુ 96,917 કેસ 2022-23માં : સંસદમાં અપાયેલી માહિતી
- અમેરિકી સરહદ પાર કરતી વખતે જીવ ગુમાવનારા ભારતીય નાગરિકોના આંકડા ઉપલબ્ધ નથી
- સરકાર વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે
ભારતીયોમાં અમેરિકા જવાની ઘેલછા લાંબા સમયથી રહી છે. અમેરિકી આંકડા રજૂ કરતા વિદેશ મંત્રાલય દ્વારા સંસદમાં અપાયેલી માહિતી મુજબ અમેરિકામાં છેલ્લા પાંચ વર્ષમાં બે લાખથી વધુ ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પકડાયા, જેમાંથી સૌથી વધુ 96,917 કેસ 2022-23માં નોંધાયા. રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી. મુરલીધરનના જણાવ્યાનુસાર અમેરિકી અધિકારીઓએ 2018-19માં 8,027, 2019-20માં 1,227, 2020-21માં 30,662, 2021-22માં 63,927 અને 2022-23માં 96,917 ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પકડયા હતા. આમ, અમેરિકામાં 2018થી 2023 સુધીના પાંચ વર્ષમાં ભારતના કુલ 2,00,760 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પકડાયા.
મુરલીધરને કહ્યું હતું કે અમેરિકી સત્તાવાળાઓએ પકડેલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની સંખ્યા સંબંધિત ડેટા યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનની વેબસાઈટ પર પ્રકાશિત ઇમિગ્રેશનના આંકડા આધારિત છે. આ ડેટા યુએસ નાણાકીય વર્ષ (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) અનુસાર છે. અમેરિકી સરહદ પાર કરતી વખતે જીવ ગુમાવનારા ભારતીય નાગરિકોની સંખ્યાની વિગતો ઉપલબ્ધ નથી. સરકાર વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.
વિદેશી રોજગાર માટે ભારતીય નાગરિકોની ભરતી ઇમિગ્રેશન એક્ટ, 1983 હેઠળ નિયંત્રિત થાય છે. વિદેશ મંત્રાલયે લીગલ ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપવા પ્રવાસી ભારતીય બીમા યોજના (PBBY) અને પ્રિ-ડિપાર્ચર ઓરિએન્ટેશન એન્ડ ટ્રેનિંગ (PDOT) સહિત અનેક પહેલ કરી છે, જેથી સુનિશ્ચિત થઇ શકે કે માઇગ્રન્ટ વર્કર્સ સુરક્ષિત રીતે માઇગ્રેટ થઇ શકે અને ગંતવ્ય દેશોમાં તેમની પાસે કામ કરવાની અને રહેવાની સારી સ્થિતિ હોય.
તદુપરાંત, વિદેશ મંત્રાલયે ઇમિગ્રન્ટ્સમાં જાગૃતિ વધારવા ‘ગો સેફ, ગો ટ્રેન્ડ’ અભિયાન શરૂ કર્યું હતું. ભારતે પોતાના ડેમોગ્રાફ્કિ ડિવિડન્ડનો ઉપયોગ કરવાના ઉદ્દેશ સાથે ફ્રાન્સ, બ્રિટન, જર્મની, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા અને ઇટાલી સાથે સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ડેનમાર્ક, જાપાન, પોર્ટુગલ, મોરેશિયસ અને ઈઝરાયેલ સાથે પણ લેબર મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ્સ પર સહીસિક્કા કરાયા છે. મંત્રાલય રાજ્ય સરકારો અને સંબંધિત હિતધારકો સાથે સંકલન કરી રહ્યું છે જેથી સુરક્ષિત અને કાનૂની ઇમિગ્રેશન તથા વિદેશી રોજગારની તકોના લાભો વિશે માહિતી પ્રસારિત કરી શકાય.
મેક્સિકો, કેનેડા સરહદે છોડી દેવાયેલા ભારતીય બાળકોની સંખ્યામાં તીવ્ર વધારો
અમેરિકામાં ઘૂસવાની લાલચમાં ભારતીય મા-બાપ દ્વારા તેમના બાળકોને પણ કેનેડા કે મેક્સિકોની સરહદ પર છોડી દેવામાં આવે છે. ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 દરમિયાન 730 બાળકો આ રીતે મળી આવ્યા હતા. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ઓક્ટોબરમાં મેક્સિકો બોર્ડરથી 73 અને કેનેડાથી પાંચ બાળકો મળી આવ્યા હતા. મોટાભાગના બાળકોની વય 10થી 14 વર્ષની હતી.


